- વડોદરામાં બિલ્ડર દર્પણ શાહની ધરપકડ કરવામાં આવી
- એક જ મકાન બે લોકોને વહેંચી છેતરપિંડી કરી
- દર્પણ શાહે ઘણા બધા લોકો સાથે છેતરપિંડી કરી
વડોદરા : શહેરમાં એક બિલ્ડર દર્પણ શાહની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ઘરોબો ધરાવતા વડોદરાના બિલ્ડર દર્પણ શાહની છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક જ મકાન બે અલગ-અલગ વ્યક્તિને વેંહચીને છેતરપિંડી કરવાનો ગુનો દાખલ કરી પાણીગેટ પોલીસે તેની ધરપકડ કરી છે.
અમદાવાદના બહેને 51 હજાર આપી મકાન બુક કરાવ્યું હતું
અમદાવાદમાં રહેતા એક બહેને વર્ષ-2016 વડોદરા ખાતે દર્પણ શાહની સાઇટ સુખધામ રેસિડેન્સીમાં મકાન નં.505 પસંદ કર્યું હતું. 10.51 લાખ રુપિયામાં મકાન લેવાનું નક્કી કરી તે જ દિવસે 51 હજાર આપી મકાન બુક કરાવ્યું હતું. તા.12-04-2016ના રોજ 10 લાખ રૂપિયા RTGSLથી ચુકવ્યા હતા. ત્યારબાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. તે દિવસથી મકાનનો પ્રત્યક્ષ કબજો સંભાળી લીધો હતો. પરંતુ મકાનમાં ટાઈલ્સ બેસાડવાનું કામ બાકી હતું. જે કામ પુર કરી આપવા માટે મકાનની એક ચાવી બિલ્ડરને આપી હતી અને બીજી ચાવી બહેને પોતાની પાસે રાખી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં લોકો સાથે છેતરપિંડી કરતો ઠગ બિલ્ડર ઝડપાયો
બે વર્ષ સુધી મકાનનું કાર્ય પૂર્ણ થયું નહિ
બિલ્ડર દર્પણે એવું કહ્યું હતું કે, કામ પુરુ થઈ જશે એટલે ચાવી તમને પરત કરી દઈશ. બે વર્ષ સુધી મકાનનું કામ પુરુ નહિ થતા વર્ષ-2018માં બહેન મકાન જોવા ગયા ત્યારે ત્યાં બીજુ ફેમિલી રહેતું હતું. મકાનમાં રહેતા રોનિત શાહને પૂછતા તેણે જણાવ્યું હતું કે, બિલ્ડર દર્પણ શાહ પાસેથી વર્ષ-2017માં તેણે આ મકાન ખરીધ્યું હતું અને એને પણ બિલ્ડરે દસ્તાવેજ કરી આપ્યો હતો. આમ, દર્પણ શાહ અને તેની સુખધામ રેસિડેન્સીના ભાગીદારોએ એક જ મકાન બે અલગ-અલગ વ્યકિતને વેચીને છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો : મોરબીમાં બિલ્ડર અંને કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું
દર્પણ શાહે ઘણા બધા લોકો સાથે છેતરપિંડી કરી
અમદાવાદની મહિલાએ ફરિયાદ કરતાં ધરપકડ થયાના સમાચાર સામે આવતા જ સંખ્યાબંધ લોકો દર્પણ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા બહાર નીકળી આવ્યા છે. ઠગ દર્પણ શાહ સામે ફરિયાદ કરવાં રાફડો ફાટ્યો છે. અન્ય લોકો પણ ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચ્યાં હતા.