વડોદરા: વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકારની સૂચના પ્રમાણે બીજા રાજ્યના સ્ટુડન્ટ, યાત્રાળુ, પ્રવાસીઓને તેમના રાજ્યમાં મોકલવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે પણ અન્ય રાજ્યોના નોડલ ઓફિસર્સની નિમણૂંક કરી છે. વડોદરા જિલ્લામાં પણ ઇ-પાસ સિસ્ટમની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ લોકો ઓનલાઇન પાસ અરજી કરી શકે છે. તેના માટે એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.
કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, દરેક રાજ્ય માટેના નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીનું સંચાલન ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ઓફિસર કરી રહ્યાં છે. આની સાથે સાથે 1077 નંબર પર પૂછપરછ કરી શકે છે.
આ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ માટે દરેક સીએચસી, પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટર્સ ઉપર સૂચના આપવામાં આવી છે. વડોદરામાં તંત્રએ 9 ચેક પોસ્ટ બનાવીને ચેક પોસ્ટ ઉપર પોલીસ, રેવન્યુ અને આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે અને ત્યાં સ્ક્રિનિંગ કરવામાં આવશે.