સુરતમાં જરી ઉદ્યોગ વર્ષોથી સુરતીઓ માટે રોજગારનું સાધન રહ્યો છે. વર્ષોથી ચાલતા આ ઉદ્યોગ સાથે અદાજીત 2 લાખ લોકો સંકળાયેલા છે, જેમાંથી 70 ટકા મહિલા કારીગર છે. હાલમાં અંદાજીત 40 ટકા જેટલું ઉત્પાદન ઓછું થાય છે. મહિને 90 કરોડનું ટર્ન ઓવર કરતા જરી ઉદ્યોગને 40 ટકા ઉત્પાદન કાપ મુકવાનો વારો આવ્યો છે. રો-મટીરિયલ્સની કિંમતમાં 20 ટકાનો વધારો તેમજ છેલ્લા એક વર્ષથી ઇમિટેશન જરીના એચ.એસ.એન કોડના આધારે બે અલગ-અલગ જીએસટીના દરના કારણે હેરાનગતિ વેઠી રહેલા ઉદ્યોગમાં અંદાજીત 1000થી વધુ યુનિટો બંધ કરવાની નોબત આવી છે.
સુરતના બંદરે 84 દેશોના વાવટા ફરકતા હતાં એટલે કે 84 દેશો સાથે સુરત વેપારથી જોડાયેલું છે, તેમજ વર્ષો પહેલા મહિલાઓને રોજગારી આપવાની શરૂઆત જરી ઉદ્યોગ થકી કરવામાં આવી હતી. ચાલુ વર્ષ કાપડ ઉદ્યોગ માટે સારું રહ્યું નથી, અગાઉ લગ્નસરા અને છેલ્લે ઈદ અને શ્રાવણમાં પણ ખરીદી સામાન્ય રહેતા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નિરાશા સાંપડી છે. જેના કારણે વેલ્યુએડીશન ચેઇનને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને જરીની હાલત કફોડી બની છે.