- સુરતમાં કોરોના સંક્રમણ વધતાં લોકોમાં ભયનો માહોલ
- વતન જવા લોકોની દોડધામ મચી
- ગુજરાતના અન્યત્ર રહેતાં લોકો પણ ટ્રાવેલ્સ એજન્સીઓ પાસે પહોંચ્યાં
સુરતઃ કોરોનાનો ભય હવે સમગ્ર સુરત શહેરમાં ફેલાઈ ગયો છે. જે રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યાં છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં હાલ ઘણા સમયથી કોરોના બેકાબૂ બન્યો છે. જ્યારે રાજ્ય સરકાર કોરોનાને કાબૂમાં લાવવા ઘણા પ્રયાસો કરી રહી છે, જે મુજબ ગાઇડલાઈન પણ બહાર પાડવામાં આવી છે.
ડર અને ચિંતા જોવા મળી રહી છે
રાત્રિ કરફ્યુના સમયમાં વધારો કરાયો છે. સોશિયલ મીડિયામાં લોકડાઉનની અફવાઓ પણ ચાલી રહી છે. જેને લઈને લોકોમાં પણ ડર અને ચિંતા જોવા મળી રહી છે. કોરોનાને કાબૂમાં લાવવા આંશિક લોકડાઉન આવી શકે. આવી અફવાઓને લઈને લોકો વતન જઈ રહ્યાં છે. દરરોજ કતારગામ અને વરાછા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બસ હાઉસ ફૂલ જઈ રહી છે. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાં લાખો લોકો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છે. રોજે સુરતથી 250 બસ રવાના થઈ રહી છે. લોકો આ બસમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરાં ઉડી રહ્યાં છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ
લોકો ખોટી અફવામાં ન આવે
ટ્રાવેલ્સ એજન્સી સાથે સંકળાયેલા મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માટે લોકો પરિવાર સાથે આવી રહ્યાં છે. લોકોમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. બીજી બાજુ લગ્નગાળાની સીઝન પણ છે તેના કારણે પણ અનેક લોકો વતન જઈ રહ્યાં છે. વતન જઈ રહેલાં હર્ષિત વાઘાણીએ જણાવ્યું હતું કે પરિવારમાં પ્રસંગ હોવાના કારણે તેઓ સૌરાષ્ટ્ર જઇ રહ્યાં છે. કોઈ પરિસ્થિતિ નક્કી નથી ત્યારે સરકાર લોકડાઉન લગાવી શકે. જેના કારણે અત્યારથી જ તેઓ આ પ્રસંગ માટે નીકળી ગયાં છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન હાલ લાગવાનું નથી તેની જાહેરાત તો ખુદ મુખ્યપ્રધાન કરી ચૂક્યાં છે. ત્યારે લોકો ખોટી અફવામાં ન આવે અને કોરોના સામે સંપૂર્ણ તકેદારી રાખે તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચોઃ કોરોનાકાળમાં 1 લાખથી વધુ શ્રમિકોને નિઃશુલ્ક રાજકોટથી તેમના માદરે વતન પહોંચાડાયા