- એક સામાન્ય પરિવારથી આવનાર મહિલાને કોંગ્રેસે તક આપી
- કોંગ્રેસે મહિલા ઉમેદવાર તરીકે સાવિત્રીબેન ચૌહાણની પસંદગી
- સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર વ્યકત કર્યો
સુરત: એક રિક્ષાચાલકની પત્નીને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વોર્ડ નંબર 26માં કોંગ્રેસે સાવિત્રીબેન અમરનાથ ચૌહાણને ટિકિટ આપી છે. 58 વર્ષીય સાવિત્રીબેનના પતિ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે અને સાવિત્રીબેન પણ અનાજ દળવાની ઘંટી ઘરે ચલાવે છે. અત્યંત મધ્યમ વર્ગીય પરિવારથી આવતા સાવિત્રીબેન ચૌહાણને માત્ર તેમના ગ્રાઉન્ડ લેવલ પર કરવામાં આવેલા કાર્યોના કારણે કોંગ્રેસે ટિકિટ આપી છે.
કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તરીકે સાવિત્રીબેન ચૌહાણ લોકો સાથે હંમેશા સંપર્કમાં
મૂળ ઉત્તર પ્રદેશ જૌનપુરના સાવિત્રી બેન ચૌહાણ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં રહે છે અને કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તરીકે તેઓ લોકો સાથે હંમેશા સંપર્કમાં રહેતા આવ્યા છે. સુરતના વોર્ડ નંબર 26 ડિંડોલી વિસ્તારમાં મોટા ભાગે ઉત્તર ભારતના રહેવાસીઓ રહે છે. જે આ વોર્ડમાં નિર્ણાયક સાબિત થાય છે. આવા વિસ્તારમાં ભાજપે પણ પરપ્રાંતિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસે મહિલા ઉમેદવાર તરીકે સાવિત્રીબેન ચૌહાણની પસંદગી કરી છે.
કોંગ્રેસ પક્ષે સાવિત્રીબેન ચૌહાણ કામોને ધ્યાનમાં રાખીને ટિકિટ આપી
સાવિત્રીબેનના પતિ અમરનાથ રીક્ષા ચલાવે છે. અને તેમની મહિનાની આવક આશરે પંદર હજાર જેટલી છે. જ્યારે સાવિત્રીબેન ઘરની અંદર જ દળવાની ઘંટી ચલાવવી પતિના આર્થિક સહયોગમાં સહભાગી બને છે. સાવિત્રીબેનને ત્રણ દીકરી અને ત્રણ દીકરા છે. તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે તેમને તેમના વિસ્તારમાં કરવામાં આવેલા કામોને ધ્યાનમાં રાખીને ટિકિટ આપી છે. આ વોર્ડમાં અનેક સમસ્યાઓ છે, જે વોર્ડના પૂર્વ ભાજપના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી નથી. આ સમસ્યાઓને દૂર કરવા માટે ચોક્કસથી લોકો તેમને મતદાન આપશે. એક સામાન્ય પરિવારથી આવનાર મહિલાને કોંગ્રેસે તક આપી છે. જે માટે હું સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર માનું છું.