- સુરતમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશનું સ્વાગત
- દર્શના જરદોશ સહિતના નેતાઓએ ઉડાવ્યા કોરોના ગાઇડલાઇન્સનાં ધજાગરા
- સાઉથ ગુજરાતને કેન્દ્રીય પ્રધામન મળતા લોકોમાં ખૂબ જ ઉત્સાહ
સુરત : રાજ્યમાં ભાજપ દ્વારા કરમસદથી કાઢવામાં આવેલી જન આશીર્વાદ યાત્રા સુરત પહોંચી હતી. આ દરમિયાન કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશનું ભાજપ ધારાસભ્ય, કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ દ્વારા જોરોશોરોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ સહિતના નેતા, કાર્યક્રતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ અને કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા.
સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા
સુરત પોતાના વતન પહોંચેલા કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશનું ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો તથા કાર્યકર્તા દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવતાની સાથે સ્વાગત કર્યું હતું. જોકે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. ખુદ દર્શના જરદોશનો પણ કાર્યકર્તા દ્વારા સ્વાગત દરમિયાન પોતે માસ્ક મગર જોવા મળ્યા હતા. આ ઉપરાંત, સુરત રેલવે સ્ટેશન પર આવેલા સરદાર પટેલની પ્રતિમાએ હાર ચઢાવી આશિર્વાદ લીધા હતા.
અનેક વિસ્તારોમાં ભવ્ય સ્વાગત
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ પાસે મોટી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ દ્વારા વરાછા બ્રિજ ઉપરથી ફૂલોનો વરસાદ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી પણ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. જોકે દર્શના જરદોશ કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સૌપ્રથમ વખત પોતાના વતન આવ્યા છે.
સાઉથ ગુજરાતને મળ્યુ કેન્દ્રીય પ્રધાન પદ
15મી ઓગસ્ટથી શરૂ થયેલી કરમસદ જન આશીર્વાદ યાત્રા આજે મંગળવારે મોરારજીભાઈ દેસાઈના બીલીમોરા, ગણદેવ, નવસારી થઇને સુરત પહોંચી છે. દર્શના જરદોશે કર્યું હતું કે, સુરત મારો પોતાનો મત વિસ્તાર છે. લોકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક સ્વાગત કર્યું છે. કેટલાક વર્ષોથી સાઉથ ગુજરાતને એવું લાગતું હતું કે અમને પ્રધાનપદ નથી મળ્યું, હાલ રેલવે મંત્રાલય અને ટેકસટાઇલ મંત્રાલય મળવાને કારણે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે.