- આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી સુરતની મુલાકાતે
- સુરતમાં AAP ના તમામ કાર્યક્રમોમાં ઉડ્યા કોરોના ગાઈડલાઈનના ધજાગરા
- ETV Bharat દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા ઈસુદાને કહ્યું - આવુ કંઈ બન્યુ જ નથી
સુરત : આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભૂતપૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આજે બુધવારે સુરતની મુલાકાતે હતા. ટેલિવિઝન પર લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપતા ઈસુદાનના સ્વાગત સમયે જ મોટી સંખ્યામાં AAP ના કાર્યકરો જોડાતા કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા. જ્યારબાદ સાંજે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં પણ નાનકડી એવી જગ્યામાં ઈસુદાન સહિત AAP ના 27 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહેતા કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન થયું હતું. આ અંગે ETV Bharat દ્વારા તેમને કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હોવાનો પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે આવુ કંઈ જ ન બન્યુ હોવાનું જણાવ્યું હતું.
ભાજપના નેતાઓને આપી ચેતવણી
પત્રકાર પરિષદને સંબોધતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, "સુરત આવ્યા બાદ મને લાગે છે કે ગુજરાતમાં લોકશાહીને લાંછન લગાવતા કિસ્સાઓ વધતા જાય છે. સુરતમાં ભાજપના નેતાઓ દ્વારા શિક્ષણ સમિતિની ચૂંટણી માટે જે રીતે લોભ, લાલચ અને ધમકીઓ આપવામાં આવી રહી છે. તે ખૂબ જ ચિંતાજનક છે. ભાજપે આ કૃત્યો અટકાવી દેવા જોઈએ. આ સમય હવે લોકશાહીનો જતન કરવાનો છે." આ સાથે તેમણે ભાજપના નેતાઓને ચેતવણી આપી હતી કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે આ કોંગ્રેસ નથી. તેઓ AAP ના કોર્પોરેટરોને ધાક-ધમકીઓ કે લાલચ આપીને ડરનો માહોલ બનાવવાની કોશિશ ન કરે.
કોરોનાની ત્રીજી લહેરમાં AAP ના કાર્યકર્તાઓ લોકોની મદદમાં જ હશે
સુરતમાં બુધવારે AAP દ્વારા આયોજિત તમામ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હોવા અંગે ETV Bharat દ્વારા જ્યારે ઈસુદાન ગઢવીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાનો કહેર ઘટ્યો છે. જ્યારે લોકડાઉન હતું, ત્યારે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું હતું. હાલમાં પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, ગાઈડલાઈનનું પાલન થાય પરંતુ કોરોના ઘટ્યો છે. જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવશે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોની સેવા કરતા જોવા મળશે. અત્યારે લોકડાઉન નથી અને લોકોને છૂટછાટ પણ મળી રહી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા તેમ કહી શકાય નહીં.