- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ યોજી વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો
- મેયર, મ્યુ.કમિશ્નર, આરોગ્ય અધિકારીઓ, અમલદાર સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા
- બેઠકમાં થયેલી ચર્ચા અંગે મેયરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી
વડોદરા: સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર પ્રત્યે સખત વલણ અપનાવી જવાબ માંગ્યો હતો. જે પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓનલાઈન વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી વડોદરાની હાલની પરિસ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવી હતી. આ બેઠકમાં વડોદરાના મેયર કેયુર રોકડીયા, મ્યુ.કમિશ્નર પી.સ્વરૂપ, આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલ, ડેપ્યુટી મ્યુ.કમિશ્નર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાત્રી કરફ્યુનું કડક પાલન કરાવાશે
બેઠકમાં થયેલી ચર્ચા અંગે શહેરના મેયર કેયુર રોકડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શહેરમાં રાત્રી કરફ્યુનો કડકાઇથી અમલ કરાવાશે. આ માટે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમના અધિકારીઓ સખત પગલાં ભરશે. હાથીખાના, મંગળબજાર જેવા ભરચક બજારોમાં વેપારી મંડળ સાથે બેઠક બાદ યોગ્ય નિર્ણય લેવાશે. ખાનગી ઓફીસો, વ્યવસાય અને ઉદ્યોગો 50 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બનતા 11 રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા
લોકોમાં રેમડેસીવીર ઈન્જેક્શન મુદ્દે ખોટી ગેરસમજ ફેલાઈ છે : મેયર કેયુર રોકડીયા
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની પરિસ્થિતિ સારી છે. આગામી 10 દિવસમાં વધુ 1300 સરકારી બેડ ઉભા થશે. કોમ્યુનિટી સ્પ્રેડમાં એકથી વધુ કેસો આવતા હોવાથી બેડની સંખ્યામાં વધારો કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત પ્રમાણે નિયુક્તિ કરવા સત્તા અપાઇ છે. 5,000 રેમડેસીવીર ઈન્જેકશન રાજ્ય સરકાર દ્વારા વડોદરાને ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં કોંગ્રેસે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું