- માંગરોળ, કામરેજ, પલસાણા અને માંડવીમાં યોજાયું રસીકરણ
- કુલ 343 આરોગ્યકર્મીઓને રસી અપાઈ
- ડોકટર્સ, નર્સ, આશા વર્કર સહિત ફ્રન્ટલાઈનરને અપાય રસી
સુરત: રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં અવિરત કાર્ય કરી રહેલા આરોગ્ય સાથે સંકળાયેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં કોરોનાની રસી મુકવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ, કામરેજ, પલસાણા અને માંડવી એમ 4 તાલુકાઓમાં કોરોનાવિરોધી રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.
કામરેજમાં સૌથી વધુ 104 લોકોએ રસી મુકાવી
જેમાં કામરેજના 104, માંડવીના 78, પલસાણાના 71 અને માંગરોળના 90 આરોગ્યકર્મીઓ મળી કુલ 343ને કોરોનાવિરોધી રસી આપવામાં આવી હતી. માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે અને કામરેજના પારડી ખાતે ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયાએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.
કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં મુકવામાં આવી રસી
જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત રસીકરણ અભિયાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસરો, સી.એચ.ઓ, ખાનગી હોસ્પિટલના ડોકટરો અને હોસ્પિટલનો સ્ટાફ, આશા બહેનો, આશા ફેસેલિટેટરો અને આંગણવાડી કાર્યકર બહેનોને રસી આપવામાં આવી હતી.
રસી મુક્યા બાદ 30 મિનિટ સુધી ઓબીઝર્વેશનમાં રખાયા
તમામ સ્થળોએ લાભાર્થીઓ હેન્ડવોશ કરીને પી.એચ.સી.માં આવ્યા બાદ પોલીસ કર્મચારી દ્વારા તેમના ડોક્યુમેન્ટ વેરિફીકેશન થયા પછી તેમનું રજિસ્ટ્રેશન કરી ક્રમશ: કોવિડ-19ની રસી મુકવામાં આવી હતી. કોરોનાની રસી મૂકાયેલા ફ્રન્ટલાઈન વર્કર્સને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં નિરીક્ષણ હેઠળ રખાયા હતાં. જે કર્મચારીને કોઈ તકલીફ ન હોય તેમને ઘરે જવા દેવામાં આવ્યા હતાં.