- અજાણ્યા યુવકે આશ્રમમાંથી કરી ચોરી
- ચોરીની ઘટના CCTVમાં કેદ
- અગાઉ પણ મંદિરમાં થઇ છે ચોરી
સુરત: તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે મંદિરને પણ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અને આવી જ એક વધુ ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. સુરતના પાલ RTO રોડ પર અટલ આશ્રમ આવેલું છે. જેમાં સત્સંગ ભવન તરફ જવાના પેસેજમાં ટેબલ ઉપર મુકેલ સ્ટીલની દાન પેટી તથા ખોડીયાર માતાના મંદીર પાસે મુકેલ દાનમાંથી હજારો રૂપિયાની ચોરી કરી અજાણ્યો યુવક ફરાર થઇ ગયો હતો.
અડાજણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
મંદિરમાં ચોરી થવાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં એક યુવક ચોરીની ઘટનાને અંજામ આપતો નજરે ચડ્યો છે. CCTV મુજબ એક મોઢે માસ્ક પહેરેલો યુવક મંદિરની પાછળ આવેલી દીવાલ કુદીને મંદિરમાં આવે છે. અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે તપાસ શરુ કરી છે.
અગાઉ પણ મંદિરમાં ચોરીની ઘટના બની છે
મંદિરના પુજારી મહંત બટુકગીરી મહાદેવગીરી મહારાજે જણાવ્યું હતું કે, અગાઉ પણ 18 ઓગસ્ટ 2020ના રોજ મંદિરમાં ચોરી થઇ હતી. તેની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પરંતુ તે ઘટનાના આરોપીઓ અત્યાર સુધી પકડાયા નથી અને આજે ફરી એક વખત ચોરીની ઘટના બની છે. ત્યારે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ મંદિરના મહંતે કરી હતી.