- 21 દિવસ અગાઉ ગળેફાંસો લગાવનાર વિદ્યાર્થિનીનું સારવાર દરમ્યાન મોત
- ધો.7નાં વિદ્યાર્થીએ લખેલી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી
- સ્યૂસાઈડ નોટનાં લખાણને લઈને ઘેરાતા શંકાનાં વાદળો
સુરત: સુરત શહેરનાં અલથાન વિસ્તારમાં રહેતા એક 13 વર્ષીય કિશોર અને વેડરોડ ખાતે રહેતી 14 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. 13 વર્ષીય કિશોરે આત્મહત્યા કરતા અગાઉ લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારે એકમાત્ર સંતાન ગુમાવતા ગમગિની
અલથાન ખાતે આવેલા સુમન અમૃત આવાસમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર અમિતસિંહના 13 વર્ષીય પુત્ર શિવાંશે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. માતા-પિતા કામ પર હતા ત્યારે ધોરણ 7માં અભ્યાસ કરતા શિવાંશે ઘરમાં એકલતાનો લાભ ઉઠાવીને પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીઘી હતી. ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી નજીકમાં રહેતી એક મહિલાની નજર પડતા બુમાબુમ કરી હતી. જેના કારણે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. શિવાંશે આત્મહત્યા કરી હોવાની પરિવારને જાણ થતાં ગમગિની છવાઈ ગઈ હતી. બીજી બાજુ ઘટનાને લઈને ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરિવારમાં એકમાત્ર સંતાન હોવા છતાં સ્યૂસાઇડ નોટમાં માતા-પિતાને બહેનનું ધ્યાન રાખવા જણાવ્યું
પોલીસને તપાસમાં એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં શિવાંશે લખ્યું છે કે, "મમ્મી પપ્પા આપ ઝગડતે હો, મેં જા રહા હું, છોટી બહેન કા ધ્યાન રખના." શિવાંશે લખેલી આ લાઈન પરથી પ્રશ્ન એ ઊભો થાય છે કે, શિવાંશ પરિવારમાં એકનો એક પુત્ર હતો. તો પછી સુસાઇડ નોટમાં નાની બેનનો ઉલ્લેખ કરી ધ્યાન રાખવાનું જણાવતા શંકાનાં વાદળો ઉભા થયાં છે. જેથી પોલીસે પણ શંકાસ્પદ સુસાઇડ નોટ અંગે તપાસ હાથ ધરી છે.
21 દિવસની સારવાર બાદ વિદ્યાર્થિનીએ જીવ છોડ્યો
શહેરનાં વેડરોડ ખાતેની પ્રાણનાથ સોસાયટીમાં રહેતી ધો.10ની વિદ્યાર્થિનીએ પણ આત્મહત્યા કરી લીધો છે. મૂળ ભાવનગરનાં વતની અને મેડિકલનાં વ્યવસાય સાથે સંકળાયેલા ગિરીશભાઈ ખુમાણની 14 વર્ષીય પુત્રી નેન્સીએ 21 દિવસ પહેલા ઘરમાં જ ગળેફાંસો ખાઇ લીધો હતો. જોકે, પરિવારને આ અંગે જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારનાં રોજ તેણીનું મોત નિપજ્યું હતું. આ અંગે કતારગામ પોલીસે આત્મહત્યાનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.