સુરત: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે છે. તેમની પાછળ થનારા ખર્ચને લઈ રાજ્યભરમાં ચર્ચા છે. આ વચ્ચે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ સુરત ખાતેના પ્રવાસને લઇને એક નિવેદન આપ્યું છે. પૂર્વ મુખ્ય પ્રધાન શંકર સિંહ વાઘેલાએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકામાં વસતા ભારતીયો તેમજ ગુજરાતીઓના વોટ મેળવવા ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે. જેની પાછળ 700 કરોડનો ખર્ચ સરકાર કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા, ત્યારે પણ આટલો ખર્ચ માટે કરવામાં આવ્યો હતો.
આ ખર્ચ કર્યા બાદ પણ અમેરિકા ભારત માટે તેની વિઝા પોલીસી બદલશે નહીં. શા માટે સરકાર આટલો ખર્ચ કરી રહી છે? આ પૈસાનો ખર્ચ ગુજરાતની હોસ્પિટલો અને શાળાઓ બનાવવા માટે કરવામાં આવે તો વધુ સારું રહેશે. શંકરસિંહે ટ્રમ્પના આ પ્રવાસને શો બાજી અને તાયફો ગણાવ્યો છે.
મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણી પર નજર કરીએ તો શંકરસિંહ વાઘેલા દ્વારા પોતાના શક્તિ દળને એકવાર ફરી સજીવન કરવાનો પ્રયાસ સુરત ખાતેથી કરવામાં આવ્યો હતો. સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં શક્તિ દળની તાલીમ શિબીર યોજાઈ હતી. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાએ હાજરી આપી હતી. વાઘેલાનો વિશ્વાસ છે કે, શક્તિ દળ સરકારથી પીડાતા લોકોનો અવાજ બનીને તેમને એક તાંતણે બાંધશે.
સુરતના અમરોલી ખાતે રવિવારે શક્તિ દળની તાલીમ શિબિરના બહાને શંકરસિંહ વાઘેલા દ્વારા શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આ શક્તિ દળમાં પહેલા જેટલી શક્તિ જોવા મળી ન હતી.