- સુરતના કિમ ચાર રસ્તા નજીક સૂતેલા શ્રમજીવીઓ માટે ડમ્પર કાળ બનીને આવ્યું
- પૂરઝડપે આવેલી ટ્રક સૂતેલા 15 શ્રમજીવીઓ પર ફરી વળતા તમામનું મોત
- ઓવરટેક કરવાની લાલચમાં શેરડી ભરેલા ટ્રક સાથે અકસ્માત બાદ આ અકસ્માત સર્જાયો
- રોડની બાજુમાં બનેલી બોક્સ ટાઈપ ગટર પર લાઈનમાં મીઠી નિંદર માળી રહ્યા હતા મજૂરો
સુરતઃ આજના મંગળવારના દિવસે સુરત જિલ્લા માટે અમંગળ કહી શકાય તેવી ગોઝારી ઘટના બની છે. કિમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં આવેલી ગટર પર સૂતેલા પરપ્રાંતીય શ્રમિકો પર ડમ્પર ચડી જતા 15 જેટલા શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા હતા. ડમ્પર કિમ નેશનલ હાઈવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી આવતા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા ડમ્પર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રોડની બાજુમાં આવેલી ગટર પર ચડી જઈ શ્રમજીવીઓને કચડી આગળ વધ્યું હતું. અને આગળ 5થી 6 દુકાનના શેડને નુકસાન પોહચાડ્યું હતું. આ ઘટનામાં 15 જેટલા શ્રમજીવીઓના કરૂણ મોત નિપજ્યા છે.

તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના રહેવાસી હતા. અત્યારે હજી પણ કેટલાક શ્રમજીવીઓ સ્મિમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જેમાં ટ્રકનો ડ્રાઈવર અને ક્લિનર પણ સામેલ છે. અને મોતનો આંકડો વધવાની આશંકા છે. જોકે, આ ઘટનામાં છ મહિનાની બાળકીનો જીવ બચી ગયો છે.

વડાપ્રધાન રિલીફ ફંડમાંથી મૃતકના પરિવારજનોને મળશે સહાય
ઘટનાની ગંભીરતાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. આ સાથે મૃતક શ્રમજીવીઓના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય કરવાની જાહેરાત પણ કરી હતી. આ સમગ્ર સહાય પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે.

વડાપ્રધાન દ્વારા મળનારી સહાય અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાણ
વડાપ્રધાને સુરતના મૃતકો માટે જે સહાયની જાહેરાત કરી છે તે અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આ સાથે મુખ્યપ્રધાને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.

રાજસ્થાનના મુખ્યપ્રધાને પણ મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
આ તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના હતા. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ ટ્વિટ કરી મૃતકોને શ્રદ્ધાંલિ અર્પણ કરી હતી.

માતાપિતા સાથે સુતેલી બાળકીનો આબાદ બચાવ
બાળકીઓ પોતાના માતાપિતા સાથે એ જ જગ્યા પર સૂતી હતી, જ્યાં ડમ્પરે અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાંથી બંને બાળકીઓ સલામત જીવિત બચી ગઈ છે. જીવ તો બચી ગયો, પરંતુ બંને નાની બાળકીના માથા પરથી માતાપિતાનો છાયો ગુમાવી ચૂકી છે.

રોજ કેબિનમાં સૂતો રાકેશ આજે ફૂટફાટ પર સૂતો અને મોતને ભેટ્યો
જ્યાં ઘટના બની ત્યાં 50 ફૂટ દૂર દુકાનમાં કામ કરતો રાકેશ રૂપચંદ કાતિલ ઠંડી હોવાથી દુકાનમાં સૂતો હતો, પરંતુ આજે થોડી ગરમી લાગતા કેબિનના બદલે શ્રમિકો સાથે બહાર સૂતો હતો અને કાળમુખી ટ્રકે કચડી નાખ્યો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.