- કતારગામના વેપારીનો આપઘાત
- પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો
- વ્યવસાયના કારણે ડિપ્રેશનમાં હોવાનું બહાર આવ્યું
સુરતઃ શહેરના કતારગામમાં રહેતા વેપારીએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની જાણકારી મળી છે. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોગરા ગામના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલ પંચશીલ રેસીડેન્સી ખાતે રહેતા તુષારભાઈ શિંગાળા કાર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, તેમની ઓફિસ ગજેરા સ્કૂલ પાસે બીજી પ્લાઝા બિલ્ડિંગના પહેલા માળે આવેલી છે. તુષારભાઈએ પોતાની ઓફિસમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો.
સંતાનમાં બે વર્ષીય પુત્ર
પોલીસના જણાવ્યા મુજબ તુષારભાઈના મોટા ભાઈએ જણાવ્યું કે, તુષાર લોકડાઉન બાદ રેતી-કપચીના વ્યવસાયના કારણે ડિપ્રેશનમાં રહેતો હતો. જેથી પોતે આર્થિક સંકડામણમાં આવીને પગલું ભરી લીધું છે. તેમને સંતાનમાં બે વર્ષીય પુત્ર છે, જેને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે કતારગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
રેતી કપચીના ધંધામાં મંદી
કતારગામ અને વરાછા ખાતે રેતી કપચીના ધંધામાં તુષાર જાણીતું નામ હતું. તેમના પિતા અગાઉ કોંગ્રેસ પક્ષમાંથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તુષારનો સગો ભાઈ મયુર કતારગામમાં ખોડીયાર કાર મેળા ચલાવે છે. છેલ્લા કેટલાક વર્ષથી તુષાર સિંગાળા રેતી કપચીના ધંધામાં મંદી હોવાના કારણે આર્થિક સંકડામણનો ભોગ બન્યો હતો.