- SC/ST સેલના પ્રમુખ કિરીટ રાણા 500થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
- અમિત ચાવડાનું સ્વાગત બરાબર ન કરાતા ટિકિટ કપાઈ: તુષાર ચૌધરી
- ભાજપમાં જોડાઈ કોંગ્રેસને હરાવવાનો પ્રયાસ કરશે કિરીટ રાણા
સુરત : કોંગ્રેસના SC/ST સેલના પ્રમુખ કિરીટ રાણા 500થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. તેમને જણાવ્યું હતું, કે કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના પ્રભારી તુષાર ચૌધરીએ તેમને કહ્યું હતું કે, સુરતમાં જ્યારે અમિત ચાવડાનું આગમન હતું, ત્યારે તેમનું સ્વાગત ભવ્ય રીતે ન થવાથી અમિત ચાવડા નારાજ હતા. જેથી કિરીટ રાણાને ટિકિટ આપવામાં આવી નથી. આ જ કારણને ધ્યાનમાં રાખી કિરીટ રાણાએ મંગળવારે રાજીનામું આપ્યું હતું અને ગુરૂવારે ભાજપમાં વિધિવત જોડાયા હતા.
ટિકિટ ઈચ્છુકોને ટિકિટ નહીં મળતા પક્ષમાંથી રાજીનામા આપ્યા
કોંગ્રેસ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. ટિકિટ ઈચ્છુકોને ટિકિટ નહીં મળતા તેમને પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે. ત્યારે સુરતના SC/ST સેલના પ્રમુખ કિરીટ રાણાએ પણ મંગળવારે રાજીનામુ આપ્યું હતું. તેમને પોતાના 500 સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો સાથે રાજીનામું આપ્યું હતું. ગુરૂવારના રોજ ઉશ્કેરાયેલા કિરીટ રાણાએ અને તેમના સમર્થકોએ 500 જેટલા રાજીનામાની હોળી કરી હતી અને જણાવ્યું હતું કે, તેમને આજથી ભાજપમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસને હરાવવા માટેના દરેક પ્રયત્નો કરશે.
તુષાર ચૌધરીએ જણાવ્યું હતું ટિકિટ ન મળવાનું કારણ
ભાજપ સાથે જોડાવા અંગે કિરીટ રાણાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ તેમને જણાવ્યું હતું કે, અમિત ચાવડા જ્યારે સુરત આવ્યા હતા, ત્યારે અમિત ચાવડાનું સ્વાગત બરાબર ન કરાતા ટિકિટ આપવામાં આવી નથી. આ જ કારણ છે કે, તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપમાં જોડાઈ કોંગ્રેસને દરેક પ્રકારે હરાવવાનો પ્રયાસ કરશે.