સુરત: જિલ્લામાં કુલ 1,016 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે, જ્યારે 540 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કુલ 42 દર્દીના મોત નોંધાયા છે. જિલ્લાનો રિકવરી રેટ 56.9 ટકા છે અને મૃત્યુદર 4.3 ટકા છે. શહેરમાં સૌથી વધુ કતારગામ ઝોનમાંથી 115 પોઝિટિવ કેસ નોંધાયા છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, આજની સ્થિતિએ 2,110 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 524 લોકોને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 113 લોકોને રાખવામાં આવ્યા છે. આયુષ મંત્રાલયના સૂચન પ્રમાણે રોગપ્રતિકારક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને 1,587 ટીમો લોકોની તપાસ માટે કાર્યરત છે.
હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં 40 ફિવર ક્લિનિક અને 251 વોશ બેસિનનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ સાથે જ કોરોના અંગે જાગૃત્તિ માટે 55 પ્રચાર ગાડી પણ મૂકવામાં આવી છે.
શહેરના દરેક ઘરોમાં હાથ ધોવા માટેના સાબુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સંવેદના પ્રોજેક્ટ હેઠળ ખાનગી અને મહાનગરપાલિકા દ્વારા 4,57,550 ફુડ પેકેટનું ગુરુવારે વિતરણ કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, શહેરમાં કુલ 13,013 લોકો બહારથી પ્રવેશવાના છે, જેમાંથી 1,746 લોકો રેડઝોનમાંથી આવશે. જેને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ માટે સુરત શહેરમાં પ્રવેશવાના 3 માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. આ ત્રણ માર્ગમાં મુંબઈથી આવતા હોય તેવા લોકોએ પલસાણાથી પ્રવેશ કરવાનો રહેશે. આ ઉપરાંત અમદાવાદથી આવતા પ્રવાસીઓએ કામરેજથી પ્રવેશ કરવાનો રહેશે અને મહારાષ્ટ્રના ધુલિયાથી આવનારા લોકોએ કડોદરાથી પ્રવેશ કરવાનો રહેશે.
આ પ્રવાસીઓએ સુરતમાં પ્રવેશ કરતી વખતે ગાડીમાં પાલિકા દ્વારા આપવામાં આવેલા સ્ટિકરો ફરજીયાતપણે લગાવવા પડશે અને દરેક લોકોના હાથ પર સીલ-સિક્કા મારવામાં આવશે. શહેરમાં આવનારા તમામ લોકોને 14 દિવસ માટે ફરજિયાતપણે હોમ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે. આ ઉપરાંત આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે. જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરશે, તો તેમને રૂપિયા 25,000નો દંડ ફટકારવા સહિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, લોકો માનસિક રીતે તંદુરસ્ત રહી શકે તે માટે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. આ સાથે જ તકેદારીના ભાગરૂપે આયુષ મંત્રાલય અને હોમિયોપેથી મુજબના ઇમ્યુનિટી વધારનારી ચીજવસ્તુઓનું સેવન કરવું જોઈએ.