- કામરેજ પોલીસ મથકમાં નોંધાયો ગુનો
- 6 મજૂરો દબાયા હતા જે પૈકી 4ના મોત થયા હતા
- કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા ગુનો નોંધાયો
સુરત: કામરેજ તાલુકાના અબ્રામામાં મંગળવારના રોજ હાઇરાઇઝ બિલ્ડીંગનાં બાંધકામ દરમિયાન માટી ધસી જતા ચાર મજૂરોના દબાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી. કામરેજ પોલીસે ફરિયાદી બની કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર તેમજ મુકાદમ સામે સેફ્ટિનાં સાધનોમાં બેદરકારી દાખવવા બદલ સદોષ માનવ વધનો ગુનો નોંધતા ચકચાર મચી હતી.
અંડર ગ્રાઉન્ડ બેઝમેન્ટ બનાવતી વખતે માટી ધસી ગઈ હતી
કામરેજ પોલીસની હદમાં અબ્રામા ગામની સીમમાં આવેલા સિલવાસા પેરેડાઇઝ હાઇરાઇઝ બિલ્ડીંગનાં બાંધકામ દરમિયાન મંગળવારના રોજ અંડર ગ્રાઉન્ડ બેઝમેન્ટની ફરતે દીવાલ બનાવતી વેળા અચાનક માટી ધસી ગઈ હતી. આ દુર્ઘટનામાં છ મજૂરો માટી નીચે દબાઇ ગયા હતા. જે પૈકી ચાર લોકોનાં મોત નિપજ્યાં હતા.
આ પણ વાંચો : 40 વર્ષ બાદ ફરી કપરાડાના ગિરનાર ગામે જમીન ધસી
બાંધકામ સ્થળ પર સુરક્ષાના સાધનોનો અભાવ જોવા મળ્યો
ઉપરોક્ત ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાશભાગ મચી જઇ ચાર લોકોનાં અકાળે થયેલા મોત માટે હરકતમાં આવેલી કામરેજ પોલીસે સમગ્ર અંડર ગ્રાઉન્ડ બાંધકામ દરમિયાન હેલ્મેટ સહીત સેફ્ટીનાં કોઇ સાધનો મજૂરોને નહી આપ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ કોન્ટ્રાક્ટર આ કૃત્યથી મોત નિપજી શકે એમ જાણતો હોવા છતાં તેણે બેદરકારી દાખવી હતી.
બેદરકારી સ્પષ્ટ થતા ત્રણ સામે ગુનો નોંધાયો
તેમજ કામ કરતા મજૂરોની સેફ્ટી માટે માટીનાં ઢગલા ધસી નહી પડે તે માટે કોઇ પ્રોટેક્શન વોલ કે નેટની સુવિધા રાખવામાં આવી ન હતી. તેમજ કામ કરતા મજૂરો માટે કોઇ હેલ્મેટ કે અન્ય કોઇ સેફ્ટીનાં સાધનો નહી આપવામાં આવતા ઘટનાનું નિર્માણ થયુ હોય જેનાં માટે કસુરવાર કોન્ટ્રાક્ટર કરુણેશ ભાનુ ઠુમ્મર, મુકાદમ પંકજ સંભુપ્રસાદ સાહુ, સુપરવાઇઝર પંકજ જગદીશ ઠુમ્મરની સામે બેદરકારી દાખવ્યાનું સ્પષ્ટ જણાઇ આવતા કામરેજ પોલીસ મથકમાં ઉપરોક્ત ત્રણેય વિરુધ 304, 338, 114 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે અકસ્માત, 8 લોકોના મોત