- 3,000 રૂપિયા કિલોથી લઈને 5 લાખ રૂપિયા કિલોની ચા
- રોજગારી જવાના કારણે આ ચારે યુવાનોએ સુરતમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું
- અહીં 20 રૂપિયાથી લઇને 200 રૂપિયા સુધી પ્રતિ કપ ચા મળે છે
સુરત: દેશભરના લોકોની સંભાવનાઓને સફળ આકાર આપનાર સુરત શહેર કોલકાતાના ચાર યુવાનો માટે આશાની કિરણ સાબિત થયું છે. કોરોનાકાળમાં રોજગાર ગુમાવનાર અને અર્ધી સેલરી જેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલા ચાર યુવાનોએ જ્યારે સ્ટાર્ટઅપ કરવાનું વિચાર્યું ત્યારે તેમને સફળતાની સંભાવના સુરતમાં નજર આવી. કોલકાતાથી સુરત સ્ટાર્ટ અપ માટે આવેલા રાહુલ સિંહ CAના વિદ્યાર્થી છે. તેઓએ પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે સુરતના પીપલોદ વિસ્તારમાં કેસલ ટીના નામથી સ્ટાર્ટ અપની શરૂઆત કરી છે. બજારમાં આમ તો લોકો 400 રૂપિયા કિલો વાળી ચા ઘરે લઈ જતા હોય છે. પરંતુ અહીં આપને દેશની ઉત્કૃષ્ટ ચા પીવા મળશે. કારણ કે, આ ચાની કિંમત લાખો રૂપિયા સુધી જાય છે. ગુવાહાટી અને આસામ સહિતના ચાના બગીચાથી આ ચાની એવી પત્તી તેઓ સુરતમાં લાવે છે જે અંગે સુરતના લોકોને જાણકારી પણ નથી. અગત્યની વાત છે કે, ચાના આ પાન વિટામિન 'સી' અને 'ઈ' જેવા પોષક તત્વ ધરાવે છે.
એન્ટી કેન્સર ચા પણ ઉપલબ્ધ
સ્ટાર્ટ અપના ફાઉન્ડર રાહુલ સિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધી લોકો આદુની ચા, એલચીની ચા અને મસાલાવાળી ચા પીતા હતા. લોકોને ખબર જ નથી કે, ચામાં અનેક વેરાયટી આવે છે, જે દેશમાં સૌથી વધુ લોકો ચા પીવાની પસંદ કરે છે ત્યાં આ સ્ટાર્ટ અપનો મેઈન કોન્સેપ્ટ ધ્યાને આવ્યો. અમારી પાસે 20 જેટલા અલગ અલગ દૂધની ચા અને 80 જેટલી પાણીની ચા ઉપલબ્ધ છે. લોકડાઉન સમયે અમે મોટાભાઈના નામ હેઠળ ફ્રન્ટલાઈન વોરિયરને ચા આપી, જેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. અમારી પાસે એન્ટી કેન્સર ચા પણ છે. સુરતના લોકો ખાવા પીવામાં શોખીન છે, સાથે જ ગુજરાતમાં દારૂ પર પણ પ્રતિબંધ છે. આ બંને કારણોથી અમે આ સ્ટાર્ટ અપ માટે સુરતની પસંદગી કરી છે.
100થી વધુ ચાની વેરાયટી
આ ટીમના અભિષેક સિંહે જણાવ્યું હતું કે, તેઓ કેબીન ક્રુ તરીકે નોકરી કરતા હતા. કોરોનામાં તેમની નોકરી ચાલી ગઇ હતી. પરંતુ કહેવાય છે કે, જેમની પાસે કંઈ નથી હોતું તે ધણું બધુ મેળવી શકે છે. અમે આ માટે ઘણું રિસર્ચ કરી અનેક જગ્યાએથી ચા મંગાવીને એક ચા બનાવવાની શરૂઆત કરી હતી અને આજે અમારી પાસે 100થી વધુ ચાની વેરાયટીઝ છે.
આ પણ વાંચો- જૂઓ કેવી રીતે સુરતીઓને આકર્ષે છે આ "સેન્ડવિચવાળા બુલેટરાજા"
વિશ્વમાં સૌથી વધુ પીવાતું પીણું ચા છે
તેમના અન્ય સદસ્ય અભિષેક શાહે જણાવ્યું હતું કે, તેઓ એક પ્રાઈવેટ કંપનીમાં ટીમ લીડર હતા. પરંતુ કોરોનામાં સ્થિતિ બગડી અને રોજગાર પર પ્રશ્ન ઊભો થયો. આ સ્થિતિને અમે અવસરમાં ફેરવી નાખી. અમે તમામે રિસર્ચ કરી આદુ, એલચી જેવા તમામ આઉટ ઓફ બોક્સ આઈડીયા વિચારીને નવી વેરાઈટી લોકો સામે મૂકી. અમે જે સર્વે કર્યું છે તે પ્રમાણે, વિશ્વમાં 85 ટકા લોકો ચા પીએ છે. રોજ 3.7 મિલિયન ચાના કપ સેલ થાય છે.
કોલકાતાથી આવે છે માટીની કુલ્લડ
અભિષેકે એમબીએ કર્યું છે અને તેઓ પણ આ ટીમના સદસ્ય છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઈપણ ચાના કેફે અથવા દુકાન પર જ્યારે લોકો ચા પીવા જાય છે ત્યારે તેમને જે ચા મળે છે તે ચાના વેસ્ટમાંથી બનતી ભૂકીની ચા હોય છે. પરંતુ અમે લોકોને આસામ, ગુવાહાટી સહિતના અન્ય મુખ્ય ચાના બગીચામાંથી લાવવામાં આવતી ચાની પીરસીએ છીએ. એટલું જ નહીં, અમે જે કુલ્લડમાં ચા આપીએ છે તે પણ પશ્ચિમ બંગાળથી મંગાવીએ છીએ.
પરિવાર અને કોર્પોરેટ સેક્ટરના લોકો માટે ખાસ વ્યવસ્થા
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાને એક નવી ઓળખ આપાવનાર આ ચારેય યુવાનોએ ચાના ઝાયકા આપવાની સાથે પરિવાર માટે એક ખાસ રૂમની વ્યવસ્થા કરી છે. જ્યાં શાંતિથી પરિવારના તમામ સભ્યો દાર્જિલિંગ અને આસામની રેર ચાની ચૂસકી મારી શકે. એટલું જ નહીં, અનેક વેરાયટીની ચા સાથે કોર્પોરેટ સેક્ટર સાથે સંકળાયેલા લોકો પણ અહીં આવીને ચા પી શકે છે. સાથે જ પ્રોજેક્ટ અંગેની ચર્ચા પણ કરી શકે તેવી પ્રાઈવસી માટેની વ્યવસ્થા પણ ગોઠવી શકે છે. અહીં 20 રૂપિયાથી લઇને 200 રૂપિયા સુધી પ્રતિ કપ ચા મળે છે.