- જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ યોજાશે રસીકરણ
- 25 લાભાર્થીઓને રૂબરૂ બોલાવી કોવિડ રસીકરણની પ્રક્રિયા યોજાશે
- બારડોલીમાં સત્યાગ્રહ હોસ્પિટલમાં ડ્રાય રનનું કરવામાં આવ્યું આયોજન
બારડોલી: બારડોલીમાં કોવિડ-19 રસીકરણ માટે આજે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે. બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે 25 લાભાર્થીઓને રૂબરૂ બોલાવી ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યમાં જિલ્લાદીઠ પાંચ જગ્યા પર કોવિડ-19 રસીકરણ ડ્રાય રનનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સુપરિન્ટેન્ડેન્ટ અને તાલુકા હેલ્થ ઓફિસરના પ્રયાસોથી ડ્રાય રનનું આયોજન
આ અંગે માહિતી આપતા બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હેતલ ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરસીએચ અધિકારીના માર્ગદર્શન હેઠળ બારડોલી તાલુકામાં એસડીએમ બારડોલીની આગેવાનીમાં બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સુપરિન્ટેન્ડેન્ટ અને તાલુકા હેલ્થ ઓફિસરના સંયુક્ત પ્રયાસોથી કોવિડ-19 રસીકરણના ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હેતુઓ સાથે યોજાશે ડ્રાય રન
ડ્રાય રનનો મુખ્ય હેતુ ફિલ્ડ વાતાવરણમાં કોવિન એપ્લિકેશનનો ઉપયોગ કરવાની ઓપરેશનલ શક્યતાનું મૂલ્યાંકન કરવું, આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગ પ્રક્રિયા વચ્ચેના જોડાણનું પરિક્ષણ કરવું, વાસ્તવિક અમલીકરણ પહેલા પડકારો અને માર્ગદર્શિકાને ઓળખવા માટે તેમ જ વિવિધ સ્તરે પ્રોગ્રામ મેનેજરોને વિશ્વાસ પૂરો પાડવાનો છે.
જિલ્લામાં આ પાંચ જગ્યાએ ડ્રાય રન કરાશે
બારડોલી સત્યાગ્રહ ઉપરાંત સુરત જિલ્લામાં અન્ય ચાર જગ્યાએ આ ડ્રાય રનનું આયોજન કરવામાં આવશે, જેમાં ચોર્યાસી તાલુકામાં ક્રિભકો હોસ્પિટલ (ખાનગી), માંગરોળ તાલુકાના તરસાડી ખાતે આવેલ અર્બન આઉટરિચ, મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં આવેલા ગ્રામ્ય આઉટરિચ અને ઓલપાડ તાલુકાના સાંધિયેર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ડ્રાય રન યોજાશે. આમાં 25-25 લાભાર્થીઓને રૂબરૂ બોલાવી કોવિડ રસીકરણ ડ્રાય રન યોજવામાં આવશે.