સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી સાથે જિલ્લાના યુવાનોએ તેમની કારકિર્દી માટે દેશસેવાના ઉમદા કાર્યને પસંદ કર્યું, તે બદલ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે સ્વામી વિવેકાનંદ પૂર્વ પરીક્ષા નિવાસી તાલીમ વર્ગમાથી પસંદ થયેલા 7 જેટલા યુવાનોને પ્રશસ્તિપત્રો એનાયત કરાયા હતા. આ યુવાનો પૈકી 6 યુવાનો ભારતીય સેનામાં સોલ્જર (જનરલ ડ્યુટી) તરીકે તથા એક યુવાનની સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે પસંદગી થઇ છે. તેમને રાજ્ય સરકારના રોજગાર વિભાગ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટરે પ્રજાજનોને અપીલ કરતાં જણાવ્યું કે, આપણા રાષ્ટ્રની સુરક્ષા સાથે દેશની રક્ષા અને મુસીબતનો સામનો કરવા માટે પોતાના પ્રાણની ચિંતા ન કરનારા સેનાનીઓ પ્રત્યે ઋણ અદા કરવાનો તથા નાગરિક કર્તવ્યભાવ દર્શાવવાનો આ અવસર છે. આ સેનાનીઓ કુદરતી વિપદામાં પણ નાગરિકોના બચાવ અને રાહત કામગીરીમાં દિવસ-રાત ખડેપગે રહે છે તેનું ઋણ અદા કરવાનો પણ આ અવસર છે.