- ડ્રોપ આઉટ કરનારી ધોરણ બારમાં 25માંથી 19 અને ધોરણ દસમાં 21માંથી 13 વિદ્યાર્થીનીઓ પાસ
- વિદ્યાર્થિનીઓએ પડકાર સામે પ્રયાસ જેવા સિદ્ધાંતને સાબિત કર્યો
- આચાર્ય નરેશ મહેતાના માર્ગદર્શનથી આવી ડ્રોપ આઉટ થયેલી વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષા પાસ કરી
સુરત: પરિવારને આર્થિક મદદ કરવા દર વર્ષે કેટલીય વિદ્યાર્થીઓને અભ્યાસ છોડી દેવો પડે છે. નગર પ્રાથમિક સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 114 ના આચાર્ય નરેશ મહેતાના માર્ગદર્શનથી આવી ડ્રોપ આઉટ થયેલી ધોરણ બારમાં 19 વિદ્યાર્થીનીઓ અને ધોરણ દસમાં 13 વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષા પાસ કરી પોતાની કાબેલિયત બતાવી છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીનીઓ માટે અનેક પડકારો હતા. બોર્ડની પરીક્ષાના ત્રણ વખત તારીખ બદલાઈ હતી. કોરોનાની પરિસ્થિતિને લીધે પરીક્ષા તૈયારીનું માર્ગદર્શન મળવું અઘરું હતું. એક સાથે આ વિદ્યાર્થીનીઓને ભેગી કરી શકાતી ન હતી, ત્યારે નરેશ મહેતા વિદ્યાર્થીનીઓના સમયે ઘરે ઘરે જઈને વ્યક્તિગત માર્ગદર્શન આપતા હતા. સાથે સાથે ઓનલાઇન અભ્યાસ પણ કરાવતા હતા.
સફળતાપૂર્વક 50થી 70 ટકા ગુણ સાથે પાસ થઇ વિદ્યાર્થીનીઓ
બધી વિદ્યાર્થીનીઓ ઓનલાઇન જોડાઈ શકતી ન હતી. ઘણી વાર સાડી પર લેસ લગાવવાનું કામ વધુ હોય, ત્યારે પણ અભ્યાસમાં જોડાઈ શકતી ન હતી. રેગ્યુલર વિદ્યાર્થીનીઓને માસ પ્રમોશન મળતાં એક્સટર્નલ વિદ્યાર્થીનીઓનું મનોબળ ટકાવી રાખવું જરૂરી હતું. આ બધામાં ત્રણ વિદ્યાર્થીનીઓ હોલ ટિકિટમાં વિષય બદલાઈને આવ્યા. ત્યારે નરેશ મહેતાના સતત પ્રોત્સાહન માર્ગદર્શનને કારણે 24માંથી 19 વિદ્યાર્થીનીઓનો સફળતાપૂર્વક 50 થી 70 ટકા ગુણ સાથે પાસ થઇ છે. પાંચ વિદ્યાર્થીઓ એક જ વિષયમાં નાપાસ થઈ છે. એક માસ બાદ પરીક્ષા આપી પાસ થશે. આજે બુધવારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં 21માંથી 13 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.
ધોરણ 8 બાદ 2006થી અભ્યાસ છોડ્યો હતો
આ વિદ્યાર્થીનીઓમાં આહીર પ્રવીણાએ (પિતા રત્નકલાકાર) ધોરણ 8 બાદ 2006થી અભ્યાસ છોડ્યો હતો. તેમણે આ વર્ષે ધોરણ 12માં 70 ટકા મેળવ્યા છે. જ્યારે લાડુમોર પારુલ ( પિતા ટેક્સટાઇલ મજૂરી) એ 69 ટકા ધોરણ 12માં મેળવ્યા છે. આવી જ રીતે આજે આવેલા ધોરણ 10માં 82 ટકા મેળવનાર દેવિકાએ 10 વર્ષ પહેલાં શાળા છોડી દીધી હતી. તેના પિતા રત્નકલાકાર છે. આવી જ રીતે કાજલ (પિતા ટેક્સટાઇલ મજૂર) તેણે 60 ટકા મેળવ્યા છે. કટોકટીના સમયમાં શ્રેષ્ઠ પરિણામથી વિદ્યાર્થીનીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.