- સુરત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર
- પગાર નહીં મળતા હડતાલ પર ઉતરી કર્યો વિરોધ
- હડતાલને કારણે દર્દીઓ પર અસર
સુરતઃ સુરત નવી સિવિલ કોવિડ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ પગાર મુદે વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે અને સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે. આ સાથે કર્મચારીઓ દ્વારા જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના નારા લગાવવામાં આવી રહ્યા છે.
પગાર ન મળતા ફરી કર્યો વિરોધ
સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના કર્મીઓને સ્પેરો અકાઉન્ટ દ્વારા પગાર ચૂકવવામાં બે માસથી વિલંબ થઇ રહ્યો છે. કેટલાકને તો 3 મહિનાથી પગાર મળ્યો નથી. અગાઉ આ મુદ્દે કર્મીઓએ બે વખત હડતાળ કરી હતી. જો કે તેમને 5મી તારીખે પગાર મળી જવાનું કહેવાયું હતું પણ એ મુજબ કંઈ જ થયુ નથી. તેથી કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલ બહાર વિરોધ કરી સુપરિન્ટેન્ડન્ટ ઓફિસે ધસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સુપરિન્ટેન્ડન્ટે કોન્ટ્રાક્ટરની હાજરીમાં પગાર ચૂકવવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે આજે ફરી કર્મચારીઓ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે અને સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે. જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના નારા લગાવવામાં આવી રહ્યા છે. ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઊતરી જતાં સિવિલ અને કોવિડ હોસ્પિટલની કામગીરીને અસર પહોંચી છે.


કર્મચારીઓના હડતાલની દર્દીઓ પર અસર
કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા દર્દીઓ પર ભારે અસર પડી રહી છે. કર્મચારીઓનું કામ દર્દીના સગાઓને કરવાની નોબત પડી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર ઉપર પરિજનો લાવી રહ્યા છે એક્સરે, સિટી સ્કેન જેવા રિપોર્ટ માટે દર્દીને લઈ દોડધામ કરવી પડે છે.
