સુરત: ગત 3 વર્ષ કરતા પણ વધુ સમયથી સુરતના પાલ-ઉમરા બ્રિજનું અટકેલું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેના કારણે લાખો વાહન ચાલકોને મોટી રાહત મળી રહેશે. પ્રથમ ઉમરા ગામવાસીઓ સાથે થયેલા વિવાદનો સુખદ અંત આવતા કોવિડની મહામારીના કારણે બ્રિજનું કામ અટકી પડ્યું હતું. જે હવે કોવિડના નિયમો સાથે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં ઇજારદારને સૂચના આપવામાં આવી છે.
સુરતના પાલ-ઉમરા બ્રિજનું કાર્ય ગત 3 વર્ષથી ટલ્લે ચઢ્યું હતું. આ અગાઉના ઇજારદારના કારણે કામ ગોકળ ગતિએ ચાલતા બ્રિજના નિર્માણ કાર્યમાં ઘણો વિલંબ થયો હતો. આ વચ્ચે ઉમરા ગામ તરફના બ્રિજનું એક તરફનું નિર્માણ કાર્ય ગ્રામલોકોના વિરોધના કારણે અટકી પડ્યું હતું. આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેનો બાદમાં સુખદ અંત આવ્યો હતો અને શહેરના હિતમાં ગ્રામલોકો જગ્યા ખાલી કરવા રાજી થયા હતા. જો કે, કોવિડની મહામારીના કારણે ફરી બ્રિજનું કામ અટકી પડ્યું હતું.
પાલ-ઉમરા બ્રિજનું 98 ટકા જેટલું નિર્માણ કાર્ય હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ માત્ર બ્રિજના એપ્રોચનું 2 ટકા જેટલું જ કાર્ય બાકી રહ્યું છે. જે અંગે શુક્રવારે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં આ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી અને તાત્કાલિક બ્રિજના એપ્રોચનું કામ પૂર્ણ કરવા અધિકારીઓ અને એજન્સીના માણસોને સૂચના આપવામાં આવી છે. જેથી પાલ-ઉમરા બ્રિજનું નિર્માણ કાર્ય હવે ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે છે. આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થતાં રાંદેર અને અઠવા ઝોનના લાખો વાહન ચાલકોને મોટી રાહત મળવાની છે. આ ઉપરાંત બ્રિજના એપ્રોચની 2 ટકા કામગીરી પૂર્ણ થતાની સાથે યુનિવર્સીટીના વિધાર્થીઓને પણ મોટો લાભ મળવાનો છે.