- વદેશીયા ગામમાં ગ્રીન ટીમએ ગામની એક અલગ ઓળખ ઉભી કરી
- આદિવાસી સંસ્કૃતિ જાળવણી માટે ગામમાં ઠેર ઠેર દોર્યા સાંસ્કૃતિક ચિત્રો
- વેસ્ટ થાંભલાઓ ભેગા કરી ગામના મુખ્ય રસ્તાઓ પર લગાવી સ્ટ્રીટ લાઈટ
સુરત: જિલ્લાના માંડવી તાલુકાના વદેશીયા ગામના યુવાનોની ગ્રીન ટીમ દ્વારા કરેલા કામોથી સુરત જિલ્લાએ એક અલગ જ ઓળખાણ ઉભી કરી છે. ગ્રીન ટીમ દ્વારા પોતાનું ગામ કઈ રીતે હરિયાળું બને તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ વેસ્ટ વસ્તુઓ ભેગી કરી તેને બેસ્ટ વસ્તુ બનાવી તેનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રીન ટીમ દ્વારા ગામને સ્માર્ટ સીટી બનાવાની સાથે સાંસ્કૃતિની જાળવણી અને પર્યાવરણનું પણ સંબાળ રાખવામાં આવી રહી છે.
ગામમાં અત્યાર સુધી હજારો વૃક્ષો વાવ્યા
વદેશીયા ગામના યુવા આગેવાન મિતુલ ચૌધરીની આગેવાનીમાં કામ કરતી ગ્રીન ટીમે ગામમાં અત્યાર સુધી હજારો વૃક્ષો વાવ્યા છે. ફક્ત વૃક્ષો વાવ્યા જ નહીં પણ એનો ઉછેર પણ કરી રહ્યા છે. ગામમાં આજે હજારો વૃક્ષ મોટા થઈ જતા તમને એક નજરે તો એવું જ લાગે કે આ ગામ જાણે કોઈ જંગલની વચ્ચે આવેલુ છે.
આદિવાસી સંસ્કૃતિથી જોડાયેલા રહે તેવા પ્રયાસો
ગામની યુવા ગ્રીન ટીમ દ્વારા કેટલા સમયથી પડેલા સોલાર થાંભલાઓ એકઠા કરી તેના પર આદિવાસી ચિત્રોનું રંગ રોહણ કરી તેને ગામના બસસ્ટેન્ડથી ગ્રામ પંચાયત સુધી સ્ટ્રીટ લાઈટના ઉપયોગમાં લીધા અને લોકો પર્યાવરણ બચાવે તેવા સુત્રો પણ લખી પર્યાવરણ વિશે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમજ લોકો આદિવાસી સંસ્કૃતિથી જોડાયેલા રહે તે માટે ગામની બહાર રહેલા બસસ્ટેન્ડની સાફસફાઈ કરી અને બસસ્ટેન્ડની દિવાલ આદિવાસી ચિત્રો દોરી સૌ કોઈને આકર્ષિત કર્યા છે.
ગામની પડતર જમીન પર રમતના મેદાનનું નિર્માણ
છેલ્લા લાંબા સમયથી ગામની પડતર પડેલી જમીન ગામલોકોને સામાજિક કાર્યમાં ઉપયોગી બને અને બાળકો માટે રમતગમતનું મેદાન બને તે માટે ગ્રીન ટીમ દ્વારા ગ્રામપંચાયતના સાથ સહકાર દ્વારા પડતર જમીન મેદાનનું નિર્માણ કર્યું હતું. એ મેદાન પર આજે સામજિક કર્યો તેમજ બાળકો રમત રમી રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતના વદેશીયા ગામમાં શાળામાં જમીન પર ગાદલા નાખીને આઇસોલેશન સેન્ટર બનાવાયું
ગ્રીન ટીમ દ્વારા લાઈબ્રેરીનું નિર્માણ કરાયુ
વદેશીયા ગામના લોકોને લાઈબ્રેરીમાં વાંચન કરવું હોય તો માંડવી જવું પડતું હતું ત્યારે ગ્રીન ટીમ દ્વારા બિનઉપયોગી લાકડાના પાટિયા ભેગા કરી તેના ટેબલ બનાવી દીધા હતા, પંચાયતની ઉપર જ ખાલી રહેલા હોલમાં લાઈબ્રેરી ઉભી કરી દીધી હતી. છોકરા-છોકરીઓ માટે અલગ અલગ વર્ગ બનાવી દીધા હતા જયા હાલ ગામના વિધાર્થીઓ વાંચન કરી રહ્યા છે, ત્યારે ગામની ઉત્સાહી ગ્રીન ટીમની કામગીરી જોઈ વૈશ્વિક સંસ્થાએ ગામને દત્તક રાખવાનો નિર્ણય કરતા સોનામાં સુગંધ ભળી હતી. હાલ વૈશ્વિક સંસ્થા ગામનો સર્વે કરી ટૂંક સમયમાં ગામમાં વિકાસના કાર્યો શરૂ કરશે.
આ પણ વાંચોઃ વદેશીયા ગામ બનશે સ્માર્ટ વિલેજ, UNICEFF દ્વારા લેવામાં આવ્યુ દત્તક