- સુરતમાં રેસ્ટોરન્ટના કારીગરે માલિક પર કર્યો હુમલો
- શાકભાજી કાપવાના ચપ્પુ વડે કર્યો માલિક પર હુમલો
- માલિકને બચાવવા જતા અન્ય કારીગર પણ થયો ઈજાગ્રસ્ત
સુરત: ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા કારીગરે રોષે ભરાઈ રેસ્ટોરન્ટના માલિક પર ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં કારીગરને કાબુમાં લેવા જતા અન્ય કારીગરને પણ સામાન્ય ઇજા થઈ હતી. કારીગરે કરેલી હુમલામાં રેસ્ટોરન્ટના માલિકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ મોરબીની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે છુટ્ટા હાથની મારામારી
કારીગરે શાકભાજી કાપવાના ચપ્પુ વડે કર્યો માલિક પર હુમલો
રેસ્ટોરન્ટના કારીગરે માલિક પર કરેલા હુમલાની ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સિટીલાઇટ અગ્રસેન ભવન પાસે રહેતા યોગેશ ભોજવાણી અલથાણ ભીમરાડ કેનાલ રોડ રઘુવીર સીમ્ફોની ખાતે ચાટ-ચટોરે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમને ત્યાં ચાર કારીગર સુરેન્દર શાહ, મોનુ જસુદ, સુલેન્દર અને કમલ ચૌધરી કામ કરે છે. શુક્રવારે બપોરે 2.30 વાગ્યાના અરસામાં રેસ્ટોરન્ટમાં ચીઝ ખૂટી જતા યોગેશએ ચીઝ અંગેની જવાબદારી કમલની હોય તેને ચીઝ લાવવા બાબતે ઠપકો આપ્યો હતો. આથી કમલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરી હાથમાં રહેલા શાકભાજી તથા બ્રેડ કાપવાના ધારદાર ચોપર વડે યોગેશને ઉપરાછાપરી ઘા મારતા તેમને માથામાં, પગમાં અને હાથમાં ગંભીર ઇજા થઈ હતી.
માલિકને બચાવવા જતા અન્ય કારીગર પણ થયો ઈજાગ્રસ્ત
કારીગરે કરેલા હુમલાથી રેસ્ટોરન્ટના માલિક લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયા હતા. ત્યાં હાજર અન્ય કારીગરોએ તેમના માલિક યોગેશને બચાવવા પ્રયાસ કર્યો હતો. તે પૈકી સુરેન્દર શાહે કમલને પકડી રાખી જેમ-તેમ કરી તેના હાથમાંથી ચોપર છોડાવી નીચે પાડી દીધું હતું. તે સમયે અન્ય કારીગર મોનુને હાથમાં ઇજા થઈ હતી. બાદ હુમલો કરનાર કમલ કારીગરોની પકડમાંથી છૂટી ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં સામાન્ય બોલાચાલીમાં 3 શખ્સે એક દંપતી પર જીવલેણ હુમલો કર્યો
સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી
બનાવ અંગે મોનુએ યોગેશના શિક્ષિકા પત્ની સોનમને જાણ કરતા તે દોડી આવ્યા હતા. બાદ યોગેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ યોગેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ખટોદરા પોલીસે રેસ્ટોરન્ટના માલિકની પત્ની સોનમની ફરિયાદના આધારે કમલ ચૌધરી વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.