- રાજ્યના મહાનગરોની સરખામણીએ સુરતમાં પ્લેટફોર્મ ટિકિટના દરમાં ધરખમ વધારો
- જે શહેરમાંથી રેલવે રાજ્યપ્રધાનની પસંદગી કરાઈ, રાજ્યમાં ત્યાં જ ટિકિટના દર સૌથી વધારે
- ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડવા માટે કરવામાં આવશે રજૂઆત
સુરત : ગુજરાતના મુખ્ય રેલવે સ્ટેશનો પૈકી અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો દર 30 રૂપિયા છે. જ્યારે સુરત રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટનો દર 50 રૂપિયા નક્કી કરાયો છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સુરતના સાંસદ દર્શના જરદોશની રેલવે રાજ્યપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તેમના શહેરમાં જ પ્લેટફોર્મ ટિકિટ માટે રાજ્યમાં સૌથી વધુ પૈસા ચૂકવવા પડતા હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્લેટફોર્મ ટિકિટનો દર ઘટાડવા માટે રજૂઆત પણ કરવામાં આવશે.
પ્લેટફોર્મ ટિકિટના દર રૂપિયા 50 કરાતા લોકોમાં રોષ
સુરતના સાંસદ દર્શના જરદોશ રેલવે રાજ્યપ્રધાન બન્યા બાદ સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના દર રૂપિયા 50 કરતાં લોકોમાં રોષ ફેલાયો છે. કોરોનાની શરૂઆત સાથે જ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રથમ અને બીજી લહેરમાં કોરોના કેસમાં ઘટાડો થયો હોવા છતાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ શરૂ ન થવાથી વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ અને સ્ટેશન જતાં બાળકોના પરિવારોને ઘણી મુશ્કેલીઓ પડી હતી. 25 જૂનથી અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ શરૂ કરાયું છે, પરંતુ સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ શરૂ કરાયું ન હતું.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો
રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ શરૂ કરાયું છે, પરંતુ અન્ય સ્ટેશનો પર રૂપિયા 30નો દર નક્કી કરાયો છે. ત્યારે સુરત સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના દર લેતા નારાજગી વધી ગઈ છે. સુરત અને અમદાવાદ રેલ્વે સ્ટેશનનો પશ્ચિમ રેલવેમાં એનએસજી 1 કૅટેગરીમાં સામેલ છે. પરંતુ પ્લેટફોર્મ ટિકિટનો દર અમદાવાદ સ્ટેશન પર 30 રૂપિયા અને સુરત મુસાફરો માટે પચાસ રૂપિયા નક્કી કરવામાં આવતા નારાજગી છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના દર અન્ય સ્ટેશન કરતાં વધુ લેવાના નિર્ણય બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ વિરોધ વ્યક્ત કર્યો છે અને ટૂંક સમયમાં આ અંગે રેલવે મંત્રાલયમાં રજૂઆત પણ કરશે.