- ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે
- શાળામાં જતા પહેલાં વિદ્યાર્થીઓએ માતાપિતાની મંજૂરી લેવી પડશે
- સરકારે અગાઉ ટ્યુશન ક્લાસ અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપી છે
સુરત : ગુજરાતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયા પછી કોરોના કેસ સતત વધી રહ્યા હતાં. પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં કોરોનાના ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યાં હતાં જેના કારણે સરકારે જાહેરાત કરી ઓનલાઇન એજ્યુકેશન ચાલુ રાખવા કહ્યું હતું. હવે કોરોનાની સ્થિતિ થાળે પડતા શાળાઓ ખોલવા બાબતે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 15મી જુલાઈથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. સાથે જ 15 જુલાઈથી પોલીટેકનિક સંસ્થાઓ પણ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ થશે. જોકે શાળામાં જતા પહેલા વિદ્યાર્થીઓએ માતાપિતાની મંજૂરી લેવી પડશે. આ સાથે જ હવે 15 જુલાઈથી પોલિટેક્નિક અને કોલેજો ખૂલી જશે.
SOPનું પાલન થશે, વર્ગખંડમાં લંચ બ્રેક
સુરતના પ્રેસિડેન્સી શાળાના આચાર્ય દીપિકા શુકલે જણાવ્યું હતું કે આનંદની વાત છે કે શાળાઓ શરૂ થશે. બાળકો ઘરે બેસે છે તો તેમની શારીરિક અને માનસિક અવસ્થા પર અસર પડી રહી છે. ચોક્કસથી તેઓ ભણી પણ રહ્યાં છે પરંતુ જે લાઈવ એજ્યુકેશનનો ચાર્મ હોય છે, જે મહત્તા હોય છે તે મળી શકતું નથી. હવે વાલીઓ પણ અનુભવી રહ્યાં છે કે શાળાઓ ખોલવી જોઇએ. ગત ફેબ્રુઆરી માસમાં જ્યારે શાળાઓ શરૂ થઈ હતી ત્યારે અમે તમામ SOP નું પાલન કરી રહ્યા હતાં. તેવી જ રીતે આ વખતે પણ તેમના પ્રવેશથી લઇ વર્ગવ્યવસ્થા સુધી સેનેટાઈઝિંગ ચોક્કસ ડિસ્ટન્સ સાથે બેસાડવાની આ બાબતોની ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવશે. અનેકવાર કોઈ ઘટના બને ત્યારે વાલીઓ કહેતા હોય છે કે અમારી ઇચ્છા નહોતી જેથી અમે વર્ગો શરૂ કરવા પહેલા વાલીની સંમતિ લઈશું અમે સંમતિપત્ર લીધા બાદ જ છાત્રોને શાળામાં પ્રવેશ આપીશું. લિમિટેડ વિદ્યાર્થીઓ હોવાના કારણે લંચ બ્રેક અમે 10 થી 15 મિનિટનો વર્ગમાં જ આપીશું બાળકો બહાર જશે નહી વર્ગખંડમાં લંચ બ્રેક લેશે.
આ પણ વાંચોઃ ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓની વાંચન આદત છૂટી ન જાય તે માટે જેતપુરના આચાર્યે અપનાવ્યો નવો અભિગમ