- નવસારીનાં વાડા ગામે દાંડીયાત્રાના પ્રવેશ પ્રસંગે યાત્રિકોનું થશે સ્વાગત
- નવસારી જિલ્લામાં દાંડીપથ પરથી પાસાર થનારી યાત્રાનો ત્રણ દિવસીય કાર્યક્રમ જાહેર
- નવસારીમાં ત્રણ દિવસ રાત્રિરોકાણ દરમિયાન ગાંધી ચિંતન અને સાસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
નવસારીઃ ભારતની આઝાદીને 75 વર્ષ થવા જઇ રહ્યા છે, પરંતુ એ પૂર્વે ભારતની આઝાદી માટે પાયાનો પથ્થર સાબિત થયેલી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં નિકળેલી દાંડીયાત્રાને 91 વર્ષ થયા છે. ત્યારે ભારત સરકાર દ્વારા આરંભાયેલા આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદથી નિકળેલી દાંડીયાત્રા 3 એપ્રિલ, શનિવારે નવસારી જિલ્લામાં પ્રવેશ કરશે. જે પૂર્વે સાથે જ નવસારી જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન યાત્રા દરમિયાનના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
નવસારીના લુન્સીકુઈ મેદાનમા યોજાશે ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમો
આઝાદ ભારતને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, જેને ભારત સરકાર આઝાદીના અમૃત મહોત્સવ રૂપે ઉજવી રહી છે. જે પૂર્વે મહાત્મા ગાંધીજીએ 1930માં સાબરમતી આશ્રમમા સ્વરાજ લીધા વિના પાછા નહી ફરવાની લીધેલી પ્રતિજ્ઞા અને તેની સાથે જ મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કરવા કાઢેલી દાંડીકૂચને 91 વર્ષ પુરા થતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રતીકાત્મક દાંડીકૂચનો પ્રારંભ કરાવ્યો હતો. આ દાંડીયાત્રા 241 માઇલનું અંતર કાપી 3 એપ્રિલ, શનિવારે નવસારી અને સુરત જિલ્લાના સરહદ પર આવેલા વાડા ગામથી નવસારીમાં પ્રવેશ કરશે, જ્યાં સૌ દાંડીયાત્રીઓને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ આવકારશે. ત્યાંથી આગળ વધીને યાત્રા મરોલી ચાર રસ્તા થઇ ચોખડ ગામે પહોંચી, ત્યાં બપોરનું ભોજન તથા વિરામ કરશે. ચોખડથી ધામણ, સરઇ, પડધા, કસ્બાપાર થઇ વિરાવળ એપીએમસી ખાતે નવસારીના અગ્રણી નાગરિકો સ્વાગત કરશે. યાત્રા શહેરમાં પ્રવેશતા જ લુન્સીકુઇ મેદાન ખાતે ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને યાત્રિકો રાત્રિ ભોજન કર્યા બાદ કૃષિ યુનિવર્સિટી ખાતે રાત્રી રોકાણ કરશે.
મટવાડ ગામે શહીદ સ્મારક ખાતે શહીદોને આપશે શ્રદ્ધાંજલિ
4 એપ્રિલ, રવિવારે સવારે દાંડી યાત્રીઓ લુન્સીકુઇ મેદાનથી દાંડી માટે પ્રસ્થાન કરશે. જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ વિજલપોર શિવાજી ચોક, પાટીદાર વાડીથી એરૂ ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટીથી ભાવાંજલિ અર્પશે. ત્યાંથી એથાણ થઇ નાની પેથાણ પહોંચી, નાની પેથાણ પ્રાથમિક શાળા ખાતે બપોરનું ભોજન કરી વિરામ કરશે. જ્યાંથી આગળ વધતા કરાડી ગામે ગાંધી સ્મૃતિ મંદિર થઇ મટવાડ ગામે શહિદ સ્મારક પહોચશે. જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મટવાડ સરકારી પોલીટેકનીક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યાં રાત્રિ ભોજન કર્યા બાદ પરત યાત્રિકો નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાત્રિ રોકાણ કરશે.
દાંડી પહોંચી યાત્રિકો મહાત્માને આપશે શ્રદ્ધાંજલિ
5 એપ્રિલ, સવારે સરકારી પોલીટેકનીક મટવાડથી દાંડીયાત્રિકો આગળ પ્રસ્થાન કરીને સામાપોર સાંસ્કૃતિક ભવન પહોંચશે, જ્યાંથી ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકયા નાયડુ સાથે જ કેન્દ્રીય પ્રધાન સહિતના આગેવાનો દાંડી યાત્રિકો સાથે જોડાઇ એવી સંભાવના છે, સામાપોરથી યાત્રા આગળ વધી ઐતિહાસિક દાંડી ગામે પ્રાર્થના મંદિર પહોંચશે, જ્યાં દાંડીના આગેવાનો અને નાગરિકો યાત્રાનું ભવ્ય સ્વાગત કરશે. જ્યાંથી યાત્રા બાપુએ જ્યાંથી ચપટી મીઠુ ઉપાડ્યુ હતુ, એ મીઠાના સત્યાગ્રહ સ્મારકે પહોંચી, મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પશે. જ્યાંથી ફરી પ્રાર્થના મંદિર ખાતે આયોજિત ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાશે. અહીં રાત્રિ ભોજન પતાવ્યા બાદ રાત્રિ રોકાણ માટે યાત્રિકો કૃષિ યુનિવર્સિટી પરત ફરશે.
આ પણ વાંચોઃ દાંડી યાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત