- મેયર સહિત 7 કોર્પોરેટરો સંક્રમિત થતા વર્ચ્યુઅલ સામાન્ય સભા યોજાઈ
- તમામ કોર્પોરેટરો પોતાના નિવાસસ્થાનેથી આ સામાન્ય સભામાં જોડાયા
- બંધ બારણે બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ
સુરત: મહાનગર પાલિકાની સામાન્ય સભા વર્ચ્યુઅલ માધ્યમથી મળી હતી. સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ અને મેયર સહિત 7 જેટલા કોર્પોરેટરો કોરોના પોઝિટિવ આવતા સામાન્ય સભાને વર્ચ્યુઅલ રાખવામાં આવી હતી, પરંતુ આ વર્ચ્યુઅલ સામાન્ય સભાનો વિરોધ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરતના સાંસદ દર્શના જરદોશે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગર હોળીની પૂજા કરી
તમામ લોકો ઘરેથી જોડાયા
સુરતમાં સતત કોરોના પોઝિટિવ કેસ માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે મેયર હેમાલી બોઘાવાલા અને 6 અન્ય કોર્પોરેટરો કોરોના પોઝિટિવ આવતા તકેદારીના ભાગરૂપે મહાનગર પાલિકાની સામાન્ય સભાને વર્ચ્યુઅલ રાખવામાં આવી હતી તમામ કોર્પોરેટરો પોતાના નિવાસસ્થાનેથી આ સામાન્ય સભામાં જોડાયા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આ વર્ચ્યુઅલ સામાન્ય સભાના વિરોધ કરતા જોવા મળ્યા હતા.
હાથમાં બેનર લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પહોંચ્યા
હાથમાં વિવિધ બેનરો રાખીને ઓનલાઇન સામાન્ય સભાનો વિરોધ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કરાયો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિરોધ પક્ષનો આવાજ દબાવવા માટે ઓનલાઇન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હાથમાં બેનર લઈને પહોંચતા પાલિકાના સુરક્ષાકર્મીઓએ તેમને રોક્યા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા
48 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ
વિરોધ પક્ષ દ્વારા સતત આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે કે, બંધ બારણે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હાલ જ પાલિકા દ્વારા જે ટેક્સટાઇલ માર્કેટને આપેલી જમીનને લઈને પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યા છે. સત્તાધીશો પર 48 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરાયા છે.