આર્થિક સંકડામણને લીધે કરી આત્મહત્યા
મૃતકના શર્ટના ખિસ્સામાંથી મળી આવી સ્યૂસાઇડ નોટ
સ્યૂસાઈડ નોટમાં કેટલાક વ્યક્તિના નામો ઉલ્લેખ
બારડોલી: સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે ભરખરીયાધામ સોસાયટીમાં રહેતા અને મૂળ જુનાગઢ જિલ્લાના ભેંસાણા તાલુકાનાં છોડવળી ગામના રતિલાલ નાથાભાઈ પાનસુરીયા (ઉ.વર્ષ 57) બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બાંધકામ ઉદ્યોગમાં મંદીને કારણે તેમના પ્રોજેકટ બંધ થઈ ગયા છે.
ઘણા લાંબા સમયથી માનસિક તણાવમાં હતા
પ્રોજેકટને લઈને લોકો પાસેથી રૂપિયાની લેવડ દેવડ હતી. પરંતુ આર્થિક સંકડામણને કારણે તેઓ પૈસા ચૂકવી શક્યા ન હતા. આથી તેઓ ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. શુક્રવારે સવારે ઘરેથી નીકળ્યા બાદ તેમણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલા ફાર્મ હાઉસના રસોડામાં લગાવેલા પંખા સાથે નાયલૉનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેનો કબ્જો પરિવારજનોને સોંપ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.
સ્યૂસાઇડ નોટમાં ત્રણ વ્યક્તિના નામનો ઉલ્લેખ
મૃતકના શર્ટના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે બાબુભાઈ કથીરિયા ફાર્મ રજીસ્ટર સાટાખત બાબતે, કાંતિ રામાણીને આઠ કરોડની ડાયરી બાબતે તેમજ શૈલેષ દલાલ જે અંકલેશ્વરના ફ્લેટ બાબતે લખેલ છે. જો કે પોલીસે સ્યૂસાઈડ નોટમાં અન્ય શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બાબતે કોઈ સ્પષ્ટ ફોડ પાડ્યો ન હતો. હાલ મૃતકના મોટાભાઇ અને વેવાઈ જુનાગઢથી આવી રહ્યા હોય મૃતકના પુત્રએ તેમની સાથે ચર્ચા બાદ આગળની કાર્યવાહી કરવાનું પોલીસને જણાવ્યુ હતું.
થોડા સમય પહેલા ઘરેથી ક્યાંક જતાં રહ્યા હતા
બે વર્ષથી પ્રોજેકટ બંધ રહેતા લોકો પાસેથી પૈસાની લેવડ દેવડ હતી. તેઓ પૈસા ચૂકવી શક્યા ન હતા. આથી સતત માનસિક તણાવમાં રહેવાને કારણે અગાઉ પણ રતિલાલભાઈ ઘરેથી ક્યાક જતાં રહ્યા હતા. આ અંગે સરથાણા પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે શોધખોળ બાદ તેઓ મળી આવ્યા હતા.
ફાર્મ હાઉસના રસોડામાં લાશ લટકતી જોઇ ચા લઈને આવેલો મજૂર ચોંકી ઉઠ્યો
મૃતક રતિલાલ નાથાભાઈ પાનસુરીયા શુક્રવારે સવારે 11 વાગ્યે ફાર્મ હાઉસ પર ગયા હતા. જ્યાં ખેતરમાં કામ કરતાં પુનાભાઈ ભાણાભાઈ ચૌધરી પાસે ચાલી લઈ તેઓ અંદર ગયા હતા અને પુનાભાઈને ફોન કરું ત્યારે ચા લઈને આવવા જણાવ્યુ હતું. પરંતુ સાંજે ચાર વાગ્યા સુધી ફોન નહીં આવતા પુનાભાઈ ચા લઈને ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા જ્યાં રસોડામાં રતિલાલભાઈની લાશ લટકતી હાલતમાં જોવાં મળી હતી. ગભરાય ગયેલા પુનાભાઈએ રતિલાલના નાનાભાઈ અરવિંદભાઈ કાનાણીને જણાવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે મૃતકના પુત્ર કૌશલને જાણ કરી હતી. કૌશલે પોલીસમાં જાહેરાત આપતા હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.