- પિતા ફળની લારી ચલાવે છે
- 12 સુધીનો અભ્યાસ કરીને 8 હજાર પગારની નોકરી કરે છે આપ ઉમેદવાર
- જીતની આશા સાથે ઉમેદવારમાં જોવા મળ્યો જોષ
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીમાં લારી ઉપર ફળ વેચનારા પિતાના પુત્રને આપ દ્વારા ચૂંટણી લડવાની તક આપવામાં આવશે. લારી ઉપર ફળ વેચીને પોતાના જીવનનું ગુજરાન ચલાવનારા એક ગરીબ પરિવારના પુત્રને આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની તક આપી છે. વૉર્ડ નંબર 26 ગોડાદરા ડિંડોલીથી ઉમેદવાર ચંદન સિંહ યાદવના પિતા ફળની નાનકડી લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તે પછી પુત્રના જીત માટે પ્રચાર પ્રસાર પણ કરે છે.
ડમી ઉમેદવાર તરીકે લડશે ચૂંટણી
મૂળ ઉત્તર પ્રદેશ જૌનપુરના અને સુરત ખાતે રહેવાસી ચંદનસિંહ યાદવના પિતા નાની લારી પર ફળનું વેચાણ કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ચંદનસિંહ યાદવે ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ટેક્સટાઇલમાં 8 હજાર પગારની નોકરી કરે છે. મકાન એટલુ નાનું છે કે, શરૂઆત થતાં જ અંત થઈ જાય છે. તેમ છતાં સત્તામાં પરિવર્તન લાવવા માટે ચંદન સિંહ યાદવ ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. વૉર્ડ નંબર 26થી સંજીવસિંહ યાદવનું ફોર્મ ટેકનિકલ ક્ષતિને કારણે રદ્દ થતા ડમી ઉમેદવાર ચંદનસિંહ યાદોવને વૉર્ડ નંબર 26થી ચૂંટણી લડવા માટેની તક મળી છે.
નાના પરિવારમાંથી આવનાર સભ્યને આપે ચૂંટણી લડવાની તક આપી
માત્ર 27 વર્ષના ચંદનસિંહ યાદવ ગરીબ પરિવારમાંથી આવે છે. ચૂંટણી પ્રચાર માટે તેમની પાસે પૂરતી રકમ નથી, તેમ છતાં ઉત્સાહ બમણો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપવા તેમને મક્કમ જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ નાના પરિવારથી આવનારા એક સભ્યને ચૂંટણી લડવાની તક આપી છે. તે પાર્ટીની ઉત્તમ વિચારધારાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. દિવસ દરમિયાન મારા પિતા જેટલું પણ ફળનું વેચાણ કરી શકેે તે કરે છે. આ સાથે પ્રચાર પણ કરે છે. મને લાગે છે કે, હું ચોક્કસથી વિજય મેળવીશ.