- 'મે આઈ હેલ્પ' કાઉન્ટર અને પાર્કિંગના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર જાહેર કરાયું
- અગાઉ બે વખતના ટેન્ડરમાં નિષ્ફળતા મળી છે
- પાર્કિંગનો કોન્ટ્રાક્ટર લેવા કોઈ આગળ આવ્યું નથી
સુરત: ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટીએ સુરતના રન-વેના ગ્રાઉન્ડ ઇમ્પ્રૂવમેન્ટનું 20 કરોડ રૂપિયાનું ટેન્ડર તેમજ 'મે આઈ હેલ્પ' કાઉન્ટર અને પાર્કિંગના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર જાહેર કર્યુ છે.
એરપોર્ટ ફરતેની પોચી જમીન મજબૂત બનાવવા જાહેર કરાયું ટેન્ડર
AAIએ સુરત એરપોર્ટના રન-વેની ફરતેની જમીનને મજબૂત કરવાની યોજના અમલમાં મૂકી છે અને તે અંતર્ગત ટેન્ડર મુકાયું છે. સુરત એરપોર્ટના રન-વેની ફરતેની જમીન પોચી છે. ચોમાસામાં ફ્લાઇટ લેન્ડીંગ સમય રન-વેની બહાર જાય તો પોચી જમીનમાં ફ્લાઇટના પેંડા ખુંપી જવાનો ડર રહે છે, જેથી ફ્લાઇટને નુકસાન થવાનો પણ ભય રહેલો છે. દૂર્ઘટનાને ટાળવા માટે રન-વેની ફરતેની ચારે બાજુની જમીનને મજબૂત બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. ઓપરેશનલ એરિયા ઓફિસર કહે છે કે, આ કામગીરી તબક્કાવાર થશે જેથી ફ્લાઇટનું ઓપરેશન ખોરવાશે નહીં.
ત્રીજીવાર 1.04 કરોડનું ટેન્ડર જાહેર કરાયું
મુસાફરોની મદદ માટે 'મેં આઈ હેલ્પ' કાઉન્ટર બનાવાયું છે પરંતુ આ કોન્ટેસ્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. આ કાઉન્ટરને કાર્યરત કરવા માટે 'મેં આઈ હેલ્પ' માટે ટેન્ડર બહાર પડાયું છે. અગાઉ બે વખતના ટેન્ડરમાં નિષ્ફળતા મળી છે ત્યારે 'મેં આઈ હેલ્પ'ની હેલ્પ કરવા કોઈ આગળ આવી રહ્યું નથી. જેથી ત્રીજીવાર 1.04 કરોડનું ટેન્ડર જાહેર કરાયું છે.
પાર્કિંગનો કોન્ટ્રાક્ટર લેવા કોઈ આગળ આવ્યું નથી
આવી જ સ્થિતિ એરપોર્ટના પાર્કિંગની છે અગાઉ દોઢ બે વર્ષ પહેલાં પાર્કિંગ ટેન્ડર જાહેર કરાયું હતું ત્યારે ત્રણ બીડર્સ દ્વારા બીડ ભરવામાં આવી હતી. પરંતુ બે બીડર ટેકનિકલ કારણોસર રિજેક્ટ થયા હતા. એક બીડરને એવોર્ડ નહીં આપી શકાય તેથી ફરી ટેન્ડર જાહેર કરાયા હતા. પરંતુ પાર્કિંગનો કોન્ટ્રાક્ટર લેવા કોઈ આગળ આવ્યું નથી. દરમિયાન કોરોનાના લીધે ફ્રી પાર્કિંગ કરાયું હતું. હવે ફરી એકવાર સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગમાં પણ જાહેર કરાયું છે.