સુરત: શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા દક્ષિણ ગુજરાત વાનગીઓ માટે પ્રખ્યાત રેસ્ટોરેન્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટમાંથી વાનગીઓ હોમ ડિલિવરી લેવા માટે આવતા ગ્રાહકોને સ્પેશિયલ ઓફર આપવામાં આવી છે. જો ગ્રાહકો રેસ્ટોરન્ટમાં મૂકવામાં આવેલા આર્મી રિલિફ ફંડના બોકસમાં જે કંઈ પણ યથા શક્તિ યોગદાન આપશે. તો તેઓને રેસ્ટોરન્ટ સંચાલક દ્વારા ખાસ ટી-શર્ટ ઉપહાર સ્વરૂપે આપવામાં આવે છે.
- સુરતની રેસ્ટોરન્ટમાં ચાઇનાના વસ્તુઓનો બહિષ્કાર કરવાની અનોખી પહેલ
- પાર્સલ લેવા આવનાર લોકો જો આર્મી રિલિફ ફંડમાં પોતાનું યોગદાન આપશે
- ગ્રાહકોને એક ખાસ ટી-શર્ટ ગિફ્ટ કરાશે
- ટી-શર્ટની પાછળ લખ્યું છે "ચાઇનાના પ્રોડક્ટનો બહિષ્કાર"
યોગ દાનની રકમ ભલે કેટલીય ઓછી હોય પરંતુ રેસ્ટોરન્ટ તરફથી આ ઉપહાર ચોક્કસથી ગ્રાહકોને આપવામાં આવે છે. જે ટી શર્ટ સંચાલકો દ્વારા આપવામાં આવે છે. તેમાં એક ખાસ સંદેશો લખવામાં આવ્યો છે. ટી-શર્ટ પર લખવામાં આવ્યું છે કે, લોકો દ્વારા ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે.
રેસ્ટોરન્ટના માલિક પ્રિતેશ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગલવાનમાં જે ઘટના બની છે. તે ખૂબ જ નિંદનીય છે. ભારત સાથે બિઝનેસની કમાણીથી આર્થિક મજબુતાઈ મેળવી આપણા જ સૈનિકોને શહીદ કરવામાં આવ્યા હતા. જેથી લોકોમાં ગુસ્સો છે અને લોકો ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લોકો ભૂલી ન જાય આ માટે અમે આ ખાસ મુહિમ શરૂ કરી છે.
જે લોકો ફંડ બોક્સમાં યોગદાન આપતા હોય છે.આવા ગ્રાહકોને અમે આ ટી-શર્ટ આપીએ છીએ. જેથી ગ્રાહકો જ્યારે આ ટી-શર્ટ પહેરે ત્યારે અન્ય લોકો પણ આ સ્લોગનને જોઈ જાગૃત થાય અને ચીનના પ્રોડક્ટનો બહિષ્કાર કરે અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપે.
રેસ્ટોરન્ટમાં દક્ષિણ ગુજરાતની વાનગીઓ પાર્સલ લેવા આવેલા જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે, આ ખાસ મુહિમ છે. ફંડ બોક્સમાં આપવામાં આવેલા યોગદાન કરતા પણ આ ટી-શર્ટની કિંમત વધારે છે. તેમ છતાં રેસ્ટોરન્ટના સંચાલકો યોગ દાનમાં આપવામાં આવેલી રકમ ને જોઇને નહીં, પરંતુ ભાવનાઓને જોઈ આ ટી-શર્ટ આપી રહ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને ચાઇનાના પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે.
ગલવાનની ઘટના બાદ જે રીતે સરકાર એક તરફ ચાઇના સામે કડક વલણ અપનાવી રહી છે, ત્યારે બીજી બાજૂ દેશના લોકો પણ ચાઇનાના વસ્તુઓનો બહિષ્કાર કરીએ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે.