- વડતાલ સંસ્થાના સંત દ્વારા ધાર્મિક પ્રવચનમાં અચાનક જ રાજકીય ચર્ચા
- પ્રવચનમાં અપ્રત્યક્ષ રીતે આમ આદમી પાર્ટીની ચર્ચા કરી
- કહ્યું, દિલ્હીથી 2022માં સાવરણી આવશે અને ગમે તેને સાફ કરશે
સુરત : સુરતના અશ્વિનીકુમાર ખાતે આવેલા રૂસ્તમ બાગ મંદિરના સંત વલ્લભ સ્વામીના ધાર્મિક પ્રવચનના કેટલાક અંશો હાલ ચર્ચાના વિષય બની ગયા છે. પરંતુ આ પ્રવચનમાં કોઈ ધાર્મિક જ્ઞાન નહીં પરંતુ ગુજરાતમાં વર્ષ 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીને લઇ એક ચર્ચા છે. તેઓ પોતાના પ્રવચન દરમિયાન અપ્રત્યક્ષ રીતે આમ આદમી પાર્ટીની તરફેણમાં બોલતા નજરે પડે છે. તેઓ પ્રત્યક્ષ રીતે ભલે આમ આદમી પાર્ટીનું નામ નહિ લે પરંતુ અપ્રત્યક્ષ રીતે કહે છે કે, વર્ષ 2022માં ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીથી જે સાવરણો આવશે તે સાફ-સફાઈ કરશે જે અંગે દ્વેષ રાખવાની જરૂર નથી.
સાવરણો છે તો સાફ તો કરશે જ
ઓનલાઇન ધાર્મિક પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી પતી ગયા પછી પણ ગામના લોકો દ્વેષવૃત્તિ રાખતા હોય છે. પેઢીઓ સુધી આ દ્વેષવૃત્તિ ચાલતી રહે છે એવું ન હોવું જોઈએ. ચૂંટણીને લઈને દ્વેષ વૃત્તિ ન રાખવી જોઈએ. જે જીત્યા તે જીત્યા જે હાર્યા તે હાર્યા. પછી દ્વેષ વૃત્તિ ન રખાય. કોઈને રાહુલ ગાંધી ગમતો હોય તો બે વખાણ્ નહીં કરે કોઈને કેજરીવાલ ગમતા હોય તો બે વખાણ નહીં કરે, એમાં આપણે દ્વેષ કરવાની જરૂર નથી. સાવરણો (ઝાડુ) 2022માં તો આવશે જ ગુજરાતમાં. દિલ્હીથી સાવરણો આવશે, કોને સાફ કરશે એ નક્કી નથી. અત્યારથી જ તૈયારી કરી રાખવી ગમે એને ગમે તેને સાફ તો કરશે જ. સાવરણો છે તો સાફ તો કરશે જ.પછી દ્વેષ રાખો એ સારું નથી.