- સાયબર ક્રાઈમ મુક્ત શહેર બનાવવાની સુરત પોલીસની પહેલ
- શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન ફ્રોડના બનાવો
- જાગૃતતા લાવવા કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવશે
સુરત: શહેરમાં છેલ્લા કેટલા સમયથી ઓનલાઈન ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. વધુમાં વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવા ગુનાઓ રોકવા અને લોકો જાગૃત થાય તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા સેતુના સહયોગથી સાયબર સંજીવની અભિયાન શરુ કરવામાં આવ્યું છે. નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવી શકાય અને ગુનાઓની માહિતી મળી રહે તે માટે સ્પર્ધા દ્વારા અનોખી રીતે લોકોને જાગૃત કરવામાં આવશે.
સાયબર સંજીવની અભિયાનનો હેતુ
આ સાયબર સંજીવની અભિયાનનો હેતુ છે કે, લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવાનો છે. લોકોને સાયબર ક્રાઈમની વિવિધ મોડેસ ઓપરેન્ડી વિશે માહિતગાર કરવામાં આવશે. લોકોમાં સાયબર ક્રાઈમ સંબંધિત માહિતી ફેલાવી સાયબર ક્રાઈમની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. ડીજીટલ ઇન્ડીયાના યુગમાં લોકો ડીજીટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરશે.
સાયબર અવરનેસ ક્વીઝનો મુખ્ય હેતુ
સાયબર અવરનેસ ક્વીઝનો મુખ્ય હેતુ રોજબરોજ બનતા સાયબર ક્રાઈમના બનાવોથી બચવા અને જાગૃતતા લાવવા કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવશે જે પ્રશ્નોના ઉતર 20 મીનીટમાં આપવાના રહેશે.
ફ્લાઈંગ કલર્સ એક ડ્રોઈંગ સ્પર્ધા
ફ્લાઈંગ કલર્સ એક ડ્રોઈંગ સ્પર્ધા છે. જે સ્પર્ધાનો ઉદેશ સાયબર સબંધિત મેસેજની ટેગલાઈન સાથેના ડ્રોઈંગ, સ્કેચ, ચિત્ર અથવા પોસ્ટ બનાવી નાગરિકોમાં જાગૃતતા લાવવાનો છે. આ સ્પર્ધામાં ઓનલાઈન ફ્રોડ, ઓનલાઈન સેફટી, સાયબર અવરનેસ, ફેક ન્યુઝ તથા સાયબર બુલીંગ જેવા પાંચ વિષયો રાખવામાં આવ્યા છે. જે વિષયો પૈકી એક વિષય પસંદ કરી સ્પર્ધામાં ભાગ લઇ શકાશે. આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં કેટેગરી 1 માં સ્કુલના 8 થી 16 વર્ષના વિદ્યાર્થીઓ, કેટેગરી 2 માં કોલેજના 17 થી 24 વર્ષના વિદ્યાર્થીઓ અને કેટેગરી 3માં અન્ય તમામ 25 વર્ષથી ઉપરના લોકો ભાગ લઇ શકશે.
અત્યાર સુધી કેટલા ગુના નોંધાયા
વર્ષ | જુલાઈ સુધી | ડિસેમ્બર સુધી |
2018 | 75 | 158 |
2019 | 144 | 238 |
2020 | 75 | 204 |
2021 | 203 | 000 |
આ પણ વાંચો: સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ લંબાવાઈ
દરેક પોલીસ મથકમાં એક PSI અને 3 માણસોની ટીમ તૈનાત
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરત વેપારીક કેન્દ્ર છે. અહી પણ સાયબર ક્રાઈમ મહત્વનો ગુનો બની ચુક્યો છે. સુરત સીટી પોલીસ દ્વારા સાયબર સેલમાં પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે. દરેક પોલીસ મથકમાં 1 PSI અને 3 માણસોની ટીમ તૈનાત કરવામાં આવશે. જેથી કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને તો જે-તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી શકે.