સુરત: સુરત શહેરના કુલપાડા ગામમાં છેલ્લા બે માસથી વધુ સમય થઇ ગયા બાદ વીજ કંપની દ્વારા બે ગણા લાઈટ બિલ મોકલવામાં આવતા ગ્રાહકો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો છે. તમામ લોકો ટોરેન્ટ પાવરની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સુરતના ઉધના વિસ્તારમાં GEB દ્વારા આવી જ રીતે વપરાશકારોને 10 હજારના બીલ મોકલવામાં આવ્યા હતા.
શહેરના કતારગામ ફુલપાડા ગામના રહીશોએ આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા બે માસ બાદ વીજ કંપની દ્વારા લાઈટ બીલ મોકલવામાં આવ્યા છે. જેમાં સામાન્ય રીતે 700 થી 800 રૂપિયા સુધીના બીલ સામે 4 થી 5 હજાર સુધીના બીલ ફાળવવામાં આવ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં લોકો કામ-ધંધા વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. તેમાં હવે ટોરેન્ટ કંપની દ્વારા બે ગણાથી વધુ વીજ બીલ આપવામાં આવ્યા છે. જેથી લોકોની મુશ્કેલીઓ વધી છે. કંપની દ્વારા ફરી મીટર રીડિંગ કરી લાઈટ બીલમાં રાહત આપવામાં આવે તેવી માગ છે.