- સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ
- ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે
- ફાયરસેફ્ટીના યોગ્ય સાધનો માર્કેટમાં ન મળતા માર્કેટ કરાઈ સીલ
સુરતની કાપડ માર્કેટમાં અચાનક આગ લાગી, 5 ફાયર સ્ટેશનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા પારસ માર્કેટમાં શુક્રવારે વહેલી સવારે 5:15 વાગે અચાનક આગ લાગી હતી. સમય સૂચકતાને કારણે પારસ માર્કેટના સિક્યુરિટી ગાર્ડની નજર માર્કેટના બીજા માળેથી નીકળતા ધુમાડા તરફ જતા તેણે તરત ઉપર જઈને જોયું તો બંધ શટરની અંદરથી આગની જ્વાળાઓ દેખાતા સિક્યુરિટી ગાર્ડે ફાયર વિભાગને ફોન કર્યા બાદ માર્કેટમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવા જતા તે સાધનમાં પાણી ન હતું. જોત જોતામાં આગનો ફેલાવો વધવા માંડ્યો હતો અને ગણતરીની કલાકોમાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો કર્યા હતા. સદનસીબે જે દુકાનોમાં આગ લાગી હતી ત્યાં કોઈ જાનમાલ વધારે ન હોવાથી ફક્ત સાડીઓના પૂઠાઓના કારણે જ આ આગ ફેલાઈ રહી હતી.ફાયર વિભાગની પાંચ સ્ટેશનોની કુલ 14 ગાડીઓ ઘટનાસ્થળે આવી લગભગ બે કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. આગને કાબૂમાં લીધા બાદ ફાયર ઓફિસરો નિરીક્ષણ કરવા જતાં તેમણે સૌથી પહેલા જોયું કે માર્કેટમાં લાગેલ ફાયરના સાધનોમાં કોઈ ખામી ન હતી પરંતુ ઉપર રહેલી ટાંકીમાં પાણી ન હતું ત્યારબાદ ફાયર ઓફિસર દ્વારા માર્કેટને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ફાયરના યોગ્ય સાધનો યોગ્ય જગ્યાએ ન મળતા માર્કેટ સીલ કરાઈ
ફાયર ઓફિસરે જણાવ્યું કે, પારસ માર્કેટમાં ફાયરના સાધનો જે જગ્યા પર હોવા જોઈએ તે જગ્યા પર ન હોવાના કારણે અને આગ લાગે ત્યારે લગાવેલા ફાયરના સાધનોનું જોડાણ પાણીની ટાંકી સાથે હતું પણ ટાંકીમાં પાણી ન હોવાથી માર્કેટનું ફાયર NOC ચકાસ્યું હતું. પારસ માર્કેટના પ્રેસિડેન્ટ દિનેશભાઇ જૈન દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, જે ચાર દિવસ પહેલાં જ ફાયર NOC અને બીજા સાધનોનું રીન્યુ કરવા માટે અમે ફાયર વિભાગમાં ફાઈલ મૂકી છે. હાલ ફાયર વિભાગ દ્વારા અમારી માર્કેટ 2 દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. માર્કેટમાં આગ લાગી છે પણ વધારે નુકસાન થયું નથી. જે પણ દુકાનોમાં આગ લાગી હતી તે દુકાનોમાં ખાલી એક-બે બંડલ સાડીઓ હતી અને બાકીના સાડીના ખોખા હોવાના કારણે વધારે નુકસાન થયું નથી.