સુરત: શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે જ્યારથી શહેરનો ચાર્જ લીધો છે. ત્યારથી ગંભીર અને અતિ ગંભીર ગણાતા ગુનાઓમાં કાર્યવાહી બે ગણી કરી દેવામાં આવી છે. આ અંગે પોતે પોલીસ કમિશ્નર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી બાર દિવસ દરમિયાન શહેરમાં આપરાધિક ગતિવિધિઓને રોકવા માટે કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, શરાબ બંધી લાગુ કરવા સરકાર અને પોલીસ સબ કટિબદ્ધ છે. પ્રોહીબિશન અને જુગાર માટે સઘન ડ્રાઇવ કરવામાં આવી હતી.
સુરત પોલીસે 10 દિવસમાં 1286 કેસો પ્રોહીબિશન કાયદામાં નોંધવામાં આવ્યા છે. જેમાં 18 ક્વોલિટી કેસ છે અને 1308 આરોપીની અટકાયત કરાઈ છે. તેમજ 68 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરાયા છે. લિસ્ટેડ બુટલેગર પંકજ અને કલ્પના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે જુગાર સંપૂર્ણ રીતે નાબૂદ કરવા 126 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 86 મોટા કેસ છે. 701 આરોપીની ધરપકડ કરાઈ છે. 73 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
તોમર વધુમાં જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષમાં 650થી વધુ બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસે 12 દિવસ દરમિયાન સઘન તપાસ કરતા 82 ગુમ થયેલા બાળકો મળી આવ્યા છે. રાજ્યભરમાં ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં 20 ટકા જેટલી સુરતની કામગીરી છે. અનેક કિસ્સાઓમાં બાળકો મળી આવતા હોય છે. પરંતુ વાલીઓ પોલીસને જાણકારી આપતા નથી, જેથી અનેકવાર પોલીસ ચોપડે બાળકો મિસિંગ બતાવતા હોય છે. હ્યુમન ટ્રાફિકિંગને લઈ પોલીસ ખૂબ જ સંવેદનશીલ છે અને આવા ગુનાઓ અટકાવવા માટે હંમેશા પ્રયાસ કરવામાં આવશે.
સાથે તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં જે ડ્રગ્સનો કારોબાર ચાલે છે તે ચલાવી લેવામાં આવશે નહીં. હાલ જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા MD ડ્રગ્સ પકડવામાં આવ્યા છે. શહેરમાં કોઇપણ દાદાગીરી કે ડ્રગ્સ માફિયાનો ગતિવિધિ પોલીસ બરદાસ્ત કરશે નહીં અને તેની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.