- પંદર દિવસ સુધી ભગવાન બીમાર પણ હોય છે અને તેમની કાળજી દર્દીની જેમ લેવાય છે
- ખાણીપીણીની સાથે તેમની ઔષધિને લઈ પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે
- રોજ તેમને પતલી ખીચડી અને જડીબુટ્ટી સાથે ઉકાળા આપવામાં આવે છે
સુરત: અહીંથી પાંચ મુખ્ય જગન્નાથજીની યાત્રા અષાઢી બીજના દિવસે કાઢવામાં આવતી હોય છે. સૌથી મોટી યાત્રા ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવે છે. હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ મંદિર ટ્રસ્ટના લોકો હાલ ભગવાન કૃષ્ણ, સુભદ્રા અને બલરામની ખૂબ જ કાળજી લઇ રહ્યા છે. કારણ કે, ત્રણેય બીમાર થઈ ગયા છે. કોરોના કાળમાં જે રીતે 15 દિવસ સુધી દર્દી ઘરે ક્વારેન્ટાઇન રહે છે તેવી જ રીતે ભગવાનને પણ પંદર દિવસ સુધી લોકોથી દૂર રાખવામાં આવે છે અને આ ઔષધીથી લઈને ખાણીપીણીની ખૂબ જ કાળજી લેવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: અષાઢી બીજ: ગુરૂપુષ્યામૃત યોગ અને લક્ષ્મી યોગનો સમન્વય, શુભ કામમાં અતિઉત્તમ ફળદાયી
કથા શું છે ?
સુરત ઇસ્કોન મંદિર સંચાલક સચિસુત કુમાર દાસે જણાવ્યા અનુસાર, જેઠ માસના પૂનમના દિવસે ભગવાનને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. તે દિવસે ખૂબ જ ગરમી હોય છે જેના કારણે ભગવાનને તાવ આવી જતો હોય છે અને તેમને 15 દિવસ સુધી એકાંતમાં મૂકવામાં આવે છે અને તેમની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. જે રીતે દર્દીને તાવ આવ્યા બાદ તેની ખાણીપીણીની ખૂબ જ કાળજી લેવામાં આવે છે તે જ રીતે અમે ભગવાનની પણ ખૂબ જ કાળજી લેતા હોઈએ છીએ.
ભગવાન માટે તૈયાર કરાયેલા ઉકાળામાં શું હોય છે?
ભગવાનને મગદાળની પાતળી ખીચડી આપવામાં આવે છે. મંગળા આરતી પહેલા સાબુદાણાની ખીચડી, ઉકાળા સહિત તુલસીના પાન આપવામાં આવે છે. ભગવાન માટે તૈયાર કરાયેલા ઉકાળામાં લીમડો, લીંબુ, તજ, લવિંગ અને તુલસીના પાનનો રસ બનાવવામાં આવે છે. ભગવાનને આ ઔષધી ત્રણ વખત આપવામાં આવે છે.
આ પણ વાંચો: IBના રિપોર્ટ પછી Rathyatra માટે ગુજરાત સરકાર શું નિર્ણય કરશે ? ETV Bharatનો વિશેષ અહેવાલ
નગર ભ્રમણ માટે લક્ષ્મીને ભગવાન મનાવે છે
આ પંદર દિવસ દરમિયાન તેઓ બિમાર હોય છે, ત્યારે વ્રજવાસીઓ સાથે રહેવા માટે તેઓ પત્ની લક્ષ્મી માતાને મનાવે છે. આ માટે તેમને ઉપહારમાં સાડી, અલંકાર, મીઠાઈ આપીને કહે છે કે, તેઓ વ્રજવાસીઓ સાથે એક દિવસ પસાર કરવા માંગે છે. લક્ષ્મીજી મનાવ્યા બાદ અને બીમારીથી સાજા થયા બાદ તેઓ ભાઈ બહેન સાથે અષાઢી બીજ પર નગર ભ્રમણ પર નીકળે છે, પરંતુ એક દિવસની જગ્યાએ પાંચ દિવસ થઈ ગયા બાદ લક્ષ્મી માતા પણ ખૂબ જ નારાજ થઈને ભગવાન સાથે ઝઘડો કરે છે. ભગવાન તેમ છતાં નવ દિવસ સુધી પોતાના ભાવિભક્તો સાથે પસાર કરે છે.