સુરત: દેશભરમાં કોઈપણ રાજ્યમાં ચૂંટણી હોય તેની અસર સુરતમાં ચોક્કસથી જોવા મળે છે. કારણ કે ચૂંટણી માટે પ્રચાર સામગ્રી હબ સુરત છે. અહીંથી કરોડો રૂપિયાની ચૂંટણી સામગ્રી દેશભરમાં જતી હોય છે. પરંતુ આ વખતે બિહારની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. સુરતમાં ચૂંટણી પ્રચાર માટે વપરાતી સામગ્રીનો એક પણ ઓર્ડર અત્યાર સુધી આવ્યો નથી. 30 વર્ષથી ચૂંટણી સામગ્રીના વેપાર સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, આ વખતે કોરોના કાળ હોવાના કારણે 90 ટકા ઓર્ડર ન હોવાથી સ્થિતિ ગંભીર બની છે.
પરંતુ આ વખતે કોરોના કાળના કારણે જાહેર સભા અથવા અન્ય વિષયો પર પ્રતિબંધ થતા કોઈપણ રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર માટે પ્રચાર સામગ્રી મંગાવી રહી નથી. સુરતમાં 30 વર્ષથી ચૂંટણી સામગ્રીનો વેપાર કરનાર મનોજ ગોયેલે જણાવ્યું હતું કે,અગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે જેટલો ઓર્ડર બિહારથી આવ્યો હતો તે હાલ જોવા મળી રહ્યો નથી. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પરંતુ 90 ટકા ઓર્ડર નહીં મળતાં સ્થિતિ ગંભીર થઈ છે. ચૂંટણી માટે દિલ્હી યુપી અને મુંબઈના વેપારીઓ સુરતથી ચૂંટણી પ્રચાર સામગ્રીની ખરીદતા હતા. પરંતુ આ વખતે ઓર્ડર નહીં મળતા કોઈ જાતની તૈયારીઓ પણ અમારી દ્વારા કરવામાં આવી નથી.