સુરતઃ શહેરમાં બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી 21 વર્ષની યુવતીને રાંદેરના યુવક સાથે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ થતા વાત સગાઈ સુધી પહોંચી હતી. સગાઈ નક્કી થયા પછી યુવકે યુવતી સાથે હજીરાની હોટલમાં અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. હવે યુવકે સગાઈની ના પાડી દેતા મામલો જહાંગીરપુરા પોલીસમાં પહોંચ્યો છે.
પોલીસે યુવતીની ફરિયાદ લઈને ઈકરામ હનીફ ફેન્સીની સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, 2018માં યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ પછી બન્ને સોશિયલ મીડિયા મારફતે વાતચીત કરતા હતા. વર્ષ 2019માં ઈકરામે લગ્ન માટે કોઈ જવાબ ન આપતા યુવતીએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્યારે બન્ને પરિવારને ખબર પડી ગઈ હતી. જેથી બન્ને પરિવારે સમાધાન કરી સગાઈ નક્કી કરી હતી. જો કે આરોપીએ મારા માતા-પિતા તારી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરે છે, એમ કહી સંબંધ પર પૂર્ણવિરામ મુકી દેતા યુવતીએ મહિલા હેલ્પલાઇનનો સંર્પક કરી જહાંગીરપુરા પોલીસ મથકમાં ઇકરામ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.