સુરત: શહેરના ચૌટા બજાર ખાતે દર વર્ષે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. આ વર્ષે કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
લોકોની ભારે ભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થાય તેવી શક્યતાને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ચૌટા બજારના તમામ વેપારીઓને અગાઉથી જ નોટિસ આપીને ચેતવણી આપવામાં આવી છે. પાલિકા દ્વારા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, ખરીદી માટે આવતા ગ્રાહકો ફરજિયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે. એટલું જ નહીં દુકાનમાં ખરીદી માટે આવતા ગ્રાહકો માટે હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવાની રહેશે. જો આ સૂચનાઓનું ઉલ્લંઘન થાય તો કસુરવારો સામે કડક કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી છે.
આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના પર્વને લઇને સંક્રમણ વધવાનો ભય છે. જેના પગલે સુરત મહાનગરપાલિકાના એન્ફોર્સમેન્ટ ડેસ્ક દ્વારા મોટા પ્રમાણમાં કામગીરી કરવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે, તેવા સંજોગોમાં એન્ફોર્સમેન્ટ માટે બેરીકેટીંગ કરવા સુધીના આયોજન પાલિકા દ્વારા કરવામાં આવશે.
આ એવો સમય છે જ્યાં તકેદારી અને સાવચેતી રાખવી જરૂરી છે. હાલની પરિસ્થિતિમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એ જ સૌ કોઈ માટે ઉપાય છે. જ્યાં સુધી કોરોનાની વેક્સિન નથી આવી રહી ત્યાં સુધી આ ઉપાય લોકો માટે વેક્સિન સમાન છે.