- સુરતની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પૂર્ણ થવાને આરે
- સુરતમાં ઓક્સિજનના 9 પૈકી 7 પ્લાન્ટ કાર્યરત અવસ્થામાં
- શહેર-જિલ્લામાં હાલ રિઝર્વમાં એક પણ ઓક્સિજન સિલિન્ડર નહીં
સુરત: કોરોનાના ખૌફનાક માહોલમાં ઓક્સિજનની અછત ઉભી થતાં શહેરીજનોમાં ભયનો માહોલ છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે, ત્યારે ડોક્ટરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે, ઓક્સિજનનો પૂરતો જથ્થો હોસ્પિટલને આપવામાં આવે. સુરતમાં ઓક્સિજનની અછતને લઇને જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, હાલ જ્યાંથી પણ ઓક્સિજનની વ્યવસ્થા થઈ રહી છે, તેને હોસ્પિટલને આપવામાં આવી રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં અમારી પાસે કોઈ સ્ટોક નથી. અત્યારે 'રોજ કમાઓ, રોજ ખાઓ' જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
આ પણ વાંચો: સુરતની ખાનગી હોસ્પિટલોમાં માત્ર એક દિવસ ચાલે એટલો જ ઓક્સિજન ઉપલબ્ધ, જથ્થો વધારવા કરાઈ રજૂઆત
શહેરમાં હાલ માત્ર 7 પ્લાન્ટ કાર્યરત
સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ઓક્સિજનની અછતે શહેર માટે મોટી સમસ્યા ઊભી કરી છે. ઓક્સિજનની અછતને લઈને સુરતના જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે સુરતમાં 7 રિફિલિંગ પ્લાન્ટ છે અને બે એવા પ્લાન્ટ છે, જે હવાથી પણ મેડિકલ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. કુલ મળીને 9 પ્લાન્ટ છે. જેમાંથી હાલ 7 કાર્યરત છે અને 2માં સ્ટોક નથી. અમે સતત મોનિટરીંગ કરી રહ્યા છે. પ્લાન્ટમાંથી જે સ્ટોક આવે છે અથવા તો ટેન્ક માંથી જે પણ ઓક્સિજન મળે છે, તમામને કઈ રીતે કઈ જગ્યાએ મોકલવામાં આવે આ અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ
સપ્લાયર પાસેથી આવતો ઓક્સિજન સીધો હોસ્પિટલને મોકલાય છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમારી પાસે લાંબા સમય સુધી ઓક્સિજન ચાલે એવો સ્ટોક નથી. સ્ટોરેજમાં હાલ ઓક્સિજન નથી. જે ઓક્સિજન આવી રહ્યો છે. તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. નાની મોટી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરવા માટે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાંથી તમામ હોસ્પિટલોને જાણકારી આપવામાં આવે છે. અમારી પાસે રિઝર્વ સ્ટોક નથી. જેથી અમે સપ્લાયર પાસેથી આવનારા ઓક્સિજનને હોસ્પિટલમાં મોકલવા માટે એક ચેઇન ઊભી કરી છે.