- સુરતની અપર્ણા ખંભાતી 9 મહિનાથી ઉંમરથી જ છે પોલિયોગ્રસ્ત
- હરિયાણામાં યોજાયેલી પિસ્તોલ શુટિંગ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ
- સુરત તથા સમગ્ર ગુજરાતનું વધાર્યું ગૌરવ
સુરત : શહેરની અપર્ણા ખંભાતી 9 મહિનાની નાની વયથી જ પોલિયોગ્રસ્ત હોવા છતાં તેણે સખ્ત મહેનત અને મજબૂત ઈરાદાના બળે તાજેતરમાં હરિયાણામાં યોજાયેલી થમ હેન્ડીકેપ્ડ ઝોનલ પિસ્તોલ શુટિંગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
80 સ્પર્ધકો વચ્ચે પ્રાપ્ત કર્યું પ્રથમ સ્થાન
હરિયાણાના કદારપુર, ગુરૂગ્રામ ખાતે તા.23 થી 27 ફેબ્રુ. દરમિયાન CRPF શૂટિંગ રેંજ 'થમ હેન્ડીકેપ્ડ ઝોનલ પેરાશૂટિંગ ચેમ્પિયનશીપ 2020-21' યોજાઈ હતી. જેમાં 80 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મૂળ સુરતના વતની અપર્ણાબેને 400માંથી 364 ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ 1 થી 5 માર્ચ દરમિયાન ફરિદાબાદની માનવરચના યુનિવર્સિટીમાં યોજાયેલી નેશનલ પેરાશૂટિંગમાં 600 માંથી 526 ગુણ મેળવી આગળની સ્પર્ધા માટે ક્વોલિફાઈ થયાં હતાં.
2002માં તેમણે 'રાઈફલ શૂટિંગ'ની ટ્રેનિંગ મેળવી
સામાન્ય પરિવારમાંથી આવતા 33 વર્ષીય અપર્ણા ગોપીપુરાના સોનીફળિયામાં તેમના માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. 62 વર્ષીય તેમના પિતા નવીનચંદ્ર પરશોતમદાસ ખંભાતી અગાઉ સિંચાઈ નહેરખાતામાં ફરજ નિભાવતા હતાં, જેઓ હાલ નિવૃત છે. માતા નયનાબેન ખંભાતી ગૃહિણી છે.અપર્ણાબેન ધો.6થી સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત શાળામાં અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન વર્ષ 2002માં તેમણે 'રાઈફલ શૂટિંગ'ની ટ્રેનિંગ મેળવી. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે વર્ષ 2003 થી 2018 દરમિયાન તેઓ દ્વારા શુટિંગ ક્ષેત્રમાં કોઈ યોગદાન આપી ન શક્યા પણ નસીબજોગે વર્ષ 2019માં શુટિંગનું એક નવું રૂપ 'પિસ્તોલ શૂટિંગ' પર તેમણે હાથ અજમાવ્યો અને સફળતા મેળવી છે. તેઓ રોજ સવારે 7 વાગ્યે એસ્પાયર શૂટિંગ એકેડમીમાં દિવસના દોઢ કલાક શુટિંગ પ્રેક્ટિસ કરે છે, ત્યારબાદ ઘરને આર્થિક ટેકો આપવા સુરતની મેરિયેટ હોટલમાં જોબ કરી ઘર અને કારકિર્દી એમ બંને જવાબદારીઓ વહન કરી રહ્યાં છે.