- સુરતની તાપી નદીમાં બોટ પલટી જતા બેના મોત
- 3 લોકો જાતે તરીને બહાર આવી જતા તેમનો બચાવ
- ભાઈની સગાઈ બાદ તાપી નદીમાં બોટમાં ફરવા ગયા હતા
સુરતઃ અમરોલી ખાતે ભાઈની સગાઈ બાદ તાપી નદીમાં ફરવા આવેલા યુવકો બોટમાં સવાર હતા. બોટ અચાનક પલટી જતા પાંચેય યુવકો નદી ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી શહેરના વેડ રોડ ખાતે આવેલા અહેમદ નગરમાં રહેતો 35 વર્ષીય અજય રાઠોડ અને વેડ રોડ અહેમદ નગરમાં રહેતો 20 વર્ષીય રાહુલ મરાઠીનું મોત નીપજ્યું હતું. જ્યારે ઉત્તરાયણ હળપતિ વાસમાં રહેતો 20 વર્ષીય હિતેશ રાઠોડ, અહેમદ નગરમાં રહેતો 30 વર્ષીય અલ્પા અલ્ફાઝ શેખ, 19 વર્ષીય સોનુ શેખ જાતે તરીને બહાર આવી જતા તેમનો બચાવ થયો હતો.
5 લોકો બોટમાં ફરવા ગયા હતા
અજય રાઠોડના ભાઈની સગાઈ પૂરી થયા બાદ અજય 5 મિત્રો સાથે ઉત્તરાયણ તાપી નદીમાં ફરવા ગયા હતા. એક તરફ ભાઈની સગાઈમાં પરિવારજનો મસ્ત હતા. અજય મિત્ર સાથે તાપી નદીમાં બોટમાં ફરવા ગયો ને અચાનક બોટ પલટી જતા 5 લોકો ડૂબી જવાની ઘટના સાંભળી પરિવારના લોકો સહિત સ્થાનિક લોકો દોડીને આવી ગયા હતા. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયર કાફલો સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં 3 લોકો જાતે તરીને બહાર આવતા બચી ગયા હતા. અજય અને રાહુલ પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર વિભાગે બંને યુવકોને મૃત હાલતમાં બહાર કાઢ્યા હતા. ઘટનાને લઇ અજયના ભાઈની સગાઇનો ખુશીનો માહોલ શોકમાં છવાઇ ગયો હતો.