- માંડવીના કરંજ ખાતે બાયોડિઝલ બનાવતી ફેકટરી પર રેડ
- સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ બેદરકાર અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
- જિલ્લાના બે PI ની બદલી તેમજ બે PSIને કર્યા સસ્પેન્ડ
સુરત: માંડવીના કરંજ GIDCમાંથી સ્ટેટ વિજિલન્સે ઝડપેલી બાયોડિઝલ બનાવતી ફેકટરી મામલે સુરત જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી હતી. સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ ફરજમાં બેદરકારી બદલ બે PSIને સસ્પેડ કર્યા હતા અને જિલ્લા LCB PI બી.કે ખાચરની કોસંબા પોલીસ મથક ખાતે બદલી કરી દીધી હતી. અને કોસંબાના PI વી. કે. પટેલની LIBમાં બદલી કરી હતી. તેમજ માંગરોળના PSI વી.આર.દેસાઈને તેમજ માંડવી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI કે. ડી. ભરવાડને સસ્પેન્ડ કરી દીધા હતા.
પલસાણાથી લઈ ધામરોડ સુધી ધમધમી રહ્યા હતા બાયોડિઝલના પમ્પ
બે દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે માંડવીના કરંજ ખાતે બાયોડિઝલ બનાવતી ફેકટરી પર રેડ કરી હતી અને ટ્રકો, બાયોડિઝલ બનાવવાની સાધન સામગ્રી અને બાયોડિઝલ મળી કરોડો રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફેકટરીમાંથી બાયોડિઝલ આજુબાજુના વિસ્તારમાં સપ્લાય થતું હતું અને ટેન્કરો ભરી રાજ્ય બહાર પણ બાયોડિઝલ મોકલવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ વિજિલન્સની કામગીરી પહેલાના દિવસોમાં પલસાણાથી લઈ ધામરોડ પાટિયા સુધી જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ બાયોડિઝલના પમ્પો 24 કલાક ધમધમતા હતા. ત્યારે હાલ સ્ટેટ વિજિલન્સની મોટી કાર્યવાહીથી બાયોડિઝલ પમ્પ ચલાવતા તત્વોએ ટપોટપ પમ્પના શટર પાડી દીધા હતા.
આ પણ વાંચો- રાજ્યમાં એક વર્ષમાં ગેરકાયદેસર બાયોડિઝલ વેચતા 455 લોકો ઝડપાયા, દક્ષિણ ગુજરાતનો કુખ્યાત અસલમ પણ જેલ હવાલે
મામલતદારની ટીમ થઈ એલર્ટ
થોડા દિવસો પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા બાયોડિઝલ વેચતા તત્વો પર કાર્યવાહી કરવા જવાબદાર અધિકારીને કામગીરી સોંપવામાં આવી હતી. જેના ભાગરૂપે વિસ્તારની મામલતદારની ટીમો પથારીમાંથી ઉઠી હતી અને કરવા પૂરતી કામગીરી કરી સંતોષ માની લેતી હતી. ત્યારે સ્ટેટ વિજિલન્સની મોટી રેડથી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.