- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું વિવાદિત નિવેદન
- ભાજપ પ્રમુખ સી આર પાટીલે પણ આપ્યું સમર્થન
- કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો દ્વારા કરવામાં આવ્યો વિરોધ
સુરત : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે, ત્યાં સુધી બંધારણ, બિનસાંપ્રદાયિકતા અને કાયદાઓ છે. આ નિવેદનને સમર્થન આપતા ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે પણ કહ્યું હતું કે, "નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે, અને હુ તેમની વાતથી સહમત છું"
જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટી તે દિવસે...
ગાંધીનગર ખાતેના ભારતમાતા મંદિર ખાતે ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, "દેશમાં જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે, ત્યાં સુધી કરશે બંધારણ, કાયદો, બિનસાંપ્રદાયિકતા છે, જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજા લોકો વધ્યા, તે દિવસે કોઈ કોર્ટ કચેરી નહી, કોઈ લોકસભા નહી, કોઈ બંધારણ નહીં, કોઈ બિનસાંપ્રદાયિકતા નહીં, બધુ હવામાં અને દફનાવી દેશે. "
રાજ્યના રાજકારણમાં ગરમાવો
નાયબ મુખ્યપ્રધાનના આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે, ત્યારે કોંગ્રેસ, આપ સહિતના પક્ષોએ પણ આ નિવેદનને વખોડી કાઢ્યું છે. આ દરમિયાન રવિવારે ભરૂચ ખાતે આવેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલને આ બાબતે પ્રશ્ન પુછવામાં આવતા તેમણે કહ્યું કે, "નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આજે અફગાનિસ્તાનમાં જોઈ રહ્યા છીએ કે, જેવી ત્યાં સરકાર તૂટી અને જે રીતે તાલીબાનીઓએ તેના પર કબ્જો લીધો છે. અને આખી દુનિયામાં તેની અસરો જોવા મળી રહી છે, ત્યારે એમણે (નીતિન પટેલે) અગમચેતી રૂપે જે વાત કરી છે, તેની સાથે હું સહમત છું"