સુરતના અમરોલી ખાતે રહેતા 19 વર્ષીય બાદલ રામે 2 વર્ષ પહેલાં 'ફૂડ એન્ડ કલ્ચર' નામની યૂટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. શરૂઆતથી લઈને 1વર્ષ સુધી આ ચેનલે માત્ર 4 હજાર થી 5 હજાર જેટલા જ સબ્સ્ક્રાઈબર મેળવ્યા હતા. પરંતુ ધીરે ધીરે તેણે 1 લાખનો આંકડો પાર કરી દીધો છે. છેલ્લા 6 મહિનામાં બાદલની ચેનલ1 લાખ 8 હજાર સબ્સ્ક્રાઈબર સાથે સુરતની બીજા નંબરની ફૂડ યૂટ્યૂબ ચેનલ બની ગઈ છે. બાદલ હાલ ભગવાન મહાવીર કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે, કોલેજમાં પ્રવેશ મેળવ્યા પહેલા જ માત્ર 19 વર્ષની ઉંમરે બાદલે તેની યુટ્યુબ ચેનલ બનાવી લીધી હતી. શરૂઆતમાં તેણે 'ઓલ ઈન વન' નામની ચેનલ શરૂ કરી હતી. જેમાં તે કોમેડી વિડીયો અપલોડ કરતો હતો. પરંતુ તેમાં ખાસ સફળતા મળી ન હતી. ત્યારબાદ એક દિવસ તેને ફૂડનો વીડિયો બનાવી અપલોડ કર્યો. તે ખુબ ઓછા સમયમાં વધુ વાઈરલ થયો. ત્યારબાદ તેણે ચેનલનું નામ બદલીને 'ફૂડ એન્ડ કલ્ચર' કર્યું. અત્યાર સુધી આ ચેનલમાં 288 વીડિયો અપલોડ થઈ ચૂક્યા છે. વેરીફાય થયા બાદ યૂટ્યૂબ ચેનલ શરૂ કરનાર બાદલને યૂટ્યૂબ તરફથી સિલ્વર બટન આપવામાં આવ્યું છે.
ETV ભારત સાથેની વાતચીતમાં બાદલે જણાવ્યું હતું કે, "મેં 4000 રૂપિયાના તૂટેલા ફોનથી કામ કરવાનું શરૂ કર્યું હતું. એ ફોન પણ સરખો ચાલતો ન હતો. ઘરે કોઈને જાણ પણ નહોતી, પરંતુ આજે જ્યારે 1 લાખ 8 હજાર સબ્સ્ક્રાઈબર થતા યુટ્યૂબ તરફથી સર્ટિફિકેટ અને સિલ્વર બટન ઘરે આવતા ઘરના લોકોને જાણ થઈ છે. શરૂઆતમાં મેં એકલાએ જ કરી હતી, પરંતુ આજે મારી સાથે બીજા 5 લોકો કામ કરે છે. અને અમે સારું કામ કરી રહ્યા છે. અમે બીજી 5 ચેનલ્સ પણ શરૂ કરી છે."