- જૂન 2019માં સંજયસિંહ દેસાઇની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી
- પત્ની કૃપાએ જ હત્યા કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું
- 10 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું તપાસમાં બદાર આવ્યું
બારડોલી: સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં આવેલા આંગલધરા ગામે ગત 9 જૂન 2019નાં રોજ સંજયસિંહ દિલીપસિંહ દેસાઇ નામનાં યુવાનની દેશી તમંચાથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મૃતક સંજયસિંહની પત્ની કૃપાને તેમના ઘરની ઉપર રહેતા મૂળ રાજસ્થાનનાં કાનસિંગ ઉર્ફે કાંતિ દાનસિંગ રાજપુરોહિત સાથે પ્રેમ સંબંધ હોવા અંગે સંજયસિંહને જાણ થતાં સંજયસિંહે કાંતિને ધમકી આપી હતી. જેની અદાવતે તેની હત્યા કરવામાં આવી હતી.
હત્યામાં શ્રવણની મુખ્ય ભૂમિકા હતી
કાંતિ તેમજ કૃપાએ ભેગા મળીને અનાવલ ખાતે રહેતા દુકાનદાર શ્રવણ રાજપૂતનાં મારફતે 10 લાખ રૂપિયાની સોપારી આપીને સંજયસિંહની હત્યા કરાવી હતી. જેમાં હનુમાનસિંગને સોપારી આપવામાં આવી હતી. હત્યાનાં સમગ્ર કાવતરામાં શ્રવણની મુખ્ય ભૂમિકા હતી. આ ગુનાની તપાસ દરમ્યાન પોલીસે કાંતિ, કૃપા, શ્રવણ, શૂટર હનુમાન, અને પહાડસિંગની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે પૈકી શ્રવણ રાજપૂતે બારડોલી એડિશનલ સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અંગે બારડોલી કોર્ટમાં સરકારી વકીલ જીતેન્દ્ર પારડીવાલાએ આરોપીના જામીન નામંજૂર થાય તે માટે ધારદાર રજૂઆત કરતા કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા હતા.