- વેપારીઓને આશા છે કે દિવાળી પર્વમાં આખા વર્ષનું 40 ટકા વેચાણ થશે
- 400થી રૂ 2000 સુધીની કિંમતની સાડીઓની ડિમાન્ડ વધી
- કાપડ માર્કેટમાં નવરાત્રી અને દિવાળીને લઈને ખરીદી નીકળતાં વેપારીઓમાં ખુશીની લહેર
સુરત : કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં વેપાર, ધંધા, વ્યવસાય ઠપ થઈ ગયાં હતાં. ખાસ કરીને સુરતની વાત કરીએ તો કાપડના ધંધા પર સૌથી માઠી અસર પડી હતી. છેલ્લાં બે વર્ષથી કાપડનો ધંધો ઠપ થઇ ગયો હતો. કેટલાક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી અન્ય ધંધા તરફ વળી ગયાં હતાં. જો કે હવે વેપારીઓને આશા બંધાઈ છે કે દિવાળી પર્વમાં આખા વર્ષના વેચાણનું 40 ટકા જેવું વેચાણ થશે. હાલ રૂ 400 થી રૂ 2000 સુધીની કિંમતની સાડીઓની ડિમાન્ડ વધી છે
કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો છે, ખોટમાંથી બહાર આવવાની તક
કોરોનાની અસરમાં ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેરમાં કાપડનો ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. છેલ્લાં બે વર્ષ થી ખરીદી ન નીકળી ન હતી. છેલ્લા બે વર્ષથી ખોટમાં રહેલાં વેપારીઓને આશા હતી કે નવરાત્રી અને દિવાળીના પર્વમાં બહારના રાજ્યોમાં ખરીદી નીકળશે, પરંતુ તેમની આ ગણતરી ઊંઘી પડી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો કોરોનાના કેસો ઘટતાં કાપડ માર્કેટમાં ખરીદી નીકળી છે જેને લઇને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ વર્ષની દિવાળી વેપારીઓ માટે સુધરશે
સુરતના વેપારી દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 દિવસથી કાપડ માર્કેટમાં બહારના વેપારીઓની ચહલપહલ વધી ગઈ છે. ખાસ કરીને ઓરિસ્સા, મધ્યપ્રદેશ, યુપી સહિતના તમામ રાજ્યોના વેપારીઓ સુરત આવી રહ્યાં છે અને ખરીદી પણ કરી રહ્યાં છે. હાલની ચહેલપહેલ જોતાં આ વર્ષે સંપૂર્ણ ખરીદીના 40 ટકા જેટલી ખરીદી દિવાળી અને નવરાત્રીના પર્વમાં રહેશે. ખરીદી જોતાં કેટલાક વેપારીઓએ તો એડવાન્સમાં તૈયારી આદરી માલ બનાવવાનો શરૂ કરી દીધો છે. આ વર્ષની દિવાળી વેપારીઓ માટે સુધરશે તેવી આશા વેપારીઓમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Surat Textile Industry - કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન
આ પણ વાંચોઃ ટેક્સટાઈલ હબ સાથે હીરા ઉદ્યોગ અને હવે આઈટી હબ, સુરતની બદલાશે સૂરત